Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વડોદરામાં પ્રેમ સંબંધમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમીએ આપઘાત કરવાની ધમકી આપી યુવતીને પરેશાન કરતા ગુનો દાખલ

વડોદરા:આઠ વર્ષ સુધી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બાદ યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે લગ્ન માટે મરી જવાની ધમકી આપી યુવતીની વારંવાર પજવણી કરતા વાડી પોલીસ મથકે છેડતીનો ગુનો નોંધાયો છે.

પોલીસસુત્રો પાસેથી મળતી માહિતીનુસાર, મૂળ સુરતની રહેવાસી અને હાલ વડોદરા શહેરમાં રહેતી 24 વર્ષીય યુવતી સપનાબેન (નામ બદલ્યું છે) માંજલપુર વિસ્તારના નામાંકિત મોલમાં સેલ્સ મેન તરીકે નોકરી કરે છે. આઠ વર્ષ અગાઉ તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષથી બને વચ્ચે બ્રેકઅપ થયું હતું. 

બે દિવસ અગાઉ યુવતીનો બોયફ્રેન્ડ મયંક પરમાર (રહે- વૈકુંઠ-2, ખોડીયાર નગર, વડોદરા )એ યુવતીનો પીછો કરી જણાવ્યું હતું કે, તું નીચે આવ અને મારી સાથે મારા ઘરે ચાલ અને જો નહીં આવે તો હું અહીં બેસી રહીશ અને યુવક અવારનવાર મરી જવાની ધમકી આપવાની સાથે જાતે જ પોતાના હાથ પર બ્લેડના ઘા મારતો. અગાઉ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આમ અવારનવાર યુવતીને લગ્ન  કરવા માટે યુવક જબરજસ્તી દબાણ કરી પજવણી કરતો હતો.

(5:03 pm IST)