Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

વડોદરા નંદેશરી જીઆઈડીસીમાં આગમાં ચારેય મૃતકોના પરિવારદીઠ 35 લાખની સહાય આપવા કંપનીનો નિર્ણય

જીએસપી ક્રોપ સાયન્સ પ્રા. લિ. કંપનીના સી યુનિટમાં રિએકટર ફાટતા પ્રચંડ ધડાકા સાથે ભીષ્ણ આગ ભભુકતા ચાર યુવાનો ભડથું થયા હતા

વડોદરા:વડોદરા નજીક આવેલ નંદેશરી જીઆઈડીસીમાં જીએસપી ક્રોપ ના સી યુનિટમાં પ્રચંડ આગ ભભુકતા ચાર યુવાન કર્મીઓના મોત નિપજયા હતા આગની ઘટનામાં  ચારેય મૃતકોના પરિવારદીઠ 35 લાખની સહાય આપવા કંપનીનો નિર્ણય કર્યો છે આજે વહેલી સવારે 5-45 વાગ્યાની આસપાસ વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઇડીસીમાં આવેલી જીએસપી ક્રોપ સાયન્સના સી યુનિટમાં પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.જેથી પ્લાન્ટમાં કામ કરી રહેલા કંપનીના 12 થી 15 કર્મીઓ ગંભીર રીતે ઘવાયા હતા.પ્લાન્ટમાં કામ કરી રહેલા 4 યુવાનો આગની ઝપેટમાં આવી જતા ભળથુ થઇ ગયા હતા ચારે યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા જ્યાં મૃત્કોના પરિવારજનો તેમજ સહકર્મીઓ દ્વારા ભારે હોબાળો મચાવતા કંપનીના સત્તાધીશો દ્વારા તમામ મૃતક યુવાનોના પરિવાર દીઠ રૂ. 35 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

  આગના બનાવમાં નંદેસરી વિસ્તારની આસપાસના 30 ઉપરાંત ગામોમાં ફફળાટ ફેલાઇ ગયો હતો. બોમ્બ ફુટ્યો હોય તેવો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.કંપનીમાં કામ કરતા કર્મીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રીગેડની 7થી 8 ગાડીઓના ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

 ફાયર ફાયટર્સે બિલ્ડીંગમાં ફસાયેલા 10થી 12 કર્મીઓને રેસ્કયુ કરી બહાર કાઢયા હતા પરંતુ આગની ઝપેટમાં આવી ગયેલા ભૂપેન્દ્રસિંહ રોહીત, હિતેશ વડોદરીયા, યશવંત પરમાર અને સુરેશ પરમારનું મોત નિપજ્યું હતું. જેથી આસપાસમાં રહેતા લોકો, પરિવારજનો અને સહકર્મીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી પોલીસ બંદોબસ્ત સાથે તમામ યુવાનોના મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયા હતા જ્યાં મૃત્કોના પરિવારજનો તેમજ મિત્રો તથા સહકર્મીઓની ભારે ભીડ એકઠી થતા હોબાળો મચ્યો હતો.પ્રથમ તબક્કે કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય આપવાની વાત કરાઈ હતી પરંતુ મૃત્કના પરિવારજનો તથા સહકર્મીઓએ વધુ વળતરની માગણી કરી હોબાળો મચાવતા કંપનીના સત્તાધીશો દ્વારા આખરે તમામ માગણીઓ સ્વીકારી  35 લાખની સહાય આપવાની જાહેરાત કરતા મામલો થાળે પડ્યો હતો.

 

(9:38 pm IST)