Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

એસજી રોડ ઉપર બપોરના ગાળામાં વધારે અકસ્માતો

હાલમાં જ કરાયેલા અભ્યાસમાં વિગતો ખુલી : એસજી રોડ પર અકસ્માતો પૈકી ૨૧૧થી વધુ અકસ્માત બપોરના ગાળામાં થયા હોવાના આંકડાઓ સપાટી ઉપર

અમદાવાદ,તા. ૨૧ : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અકસ્માતોની સંખ્યામાં હાલમાં નોંધપાત્ર વધારો થયો છે. એવા આંકડા સપાટી ઉપર આવ્યા છે કે એસજી રોડ ઉપર સૌથી વધારે અકસ્માતો બપોરના ગાળામાં થયા છે. સૌથી વધારે જોખમનો ગાળો બપોરનો છે.

હાલના જ રોડ સેફ્ટીના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, બપોરના ગાળામાં સૌથી વધારે અકસ્માતો થાય છે. એસજી રોડ ઉપર આ મામલા સૌથી વધારે નોંધાયા છે. ફેટલ અકસ્માતોની વાત કરવામાં આવે તો પણ આ ગાળો સૌથી વધારે નોંધાયો છે. જેપી રિસર્ચ દ્વારા ૨૦૧૬ના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે ૮૮ ટકા અકસ્માતો સવારે નવ વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા વચ્ચે બને છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ અકસ્માતો માટે માનવીય પરિબળો જ મુખ્યરીતે જવાબદાર રહ્યા છે. ૪૦ ટકા કેસોમાં માનવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભુલો જવાબદાર રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના કારણે છ ટકા અકસ્માતો થાય છે. વાહનોના લીધે પણ તથા બેદરકારીના લીધે પણ અકસ્માતોના કિસ્સા વધ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ હાલમાં જ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ટુ વ્હીલરના કારણે ગંભીર પ્રકારના અકસ્માત અને મોતના બનાવો સૌથી વધારે બન્યા છે. આવા અકસ્માત ૫૩ ટકાની આસપાસ છે જ્યારે કાર અકસ્માતોના કિસ્સા પણ ઓછા નોંધાયા નથી. એએમસીના એક અધિકારીએ કહ્યું છે કે, એસજી રોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં વ્યાપક અભ્યાસની કામગીરી વારંવાર હાથ ધરવામાં આવે છે. જે કંઇ પણ લાગે તે સુધારા પણ કરવામાં આવે છે. અભ્યાસમાં હાલમાં જ જાણવામળ્યું છે કે સર્વિસ રોડ એન્ટ્રી અને એક્ઝિટને લઇને પણ સમસ્યાઓ છે.

(9:25 pm IST)