Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે ફાયદો ઉગશે, બાકી સૌ માટે સામાન્ય બજેટ

મોટા કરબોજ કે મોટી કર રાહતને અવકાશ નહિ પરંતુ ધરતી પુત્રોની નારાજગી ઓછી કરવા જાગવાઇ થશેઃ વ્યાજ-સબસીડીમાં લાભ અને પોષણક્ષમ ભાવ બાબતે વિચારતુ નક્કર આયોજનઃ આર્થિક ‘મર્યાદા’ વચ્ચે બજેટ બેઠકોનો ધમધમાટ

રાજકોટ તા.ર૦ : ગુજરાતમાં તા.૧૯ ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે. બીજા દિવસે તા.ર૦મીએ નવા નાણાકીય વર્ષ-ર૦૧૮-૧૯નું બજેટ રજુ થશે. ર૦૧૯ના પ્રારંભે સંસદની ચૂંટણી આવી રહી છે. આવતા વર્ષે ચૂંટણીની આચારસંહિતાના કારણે પુર્ણ બજેટના બદલે ત્રણ-ચાર મહિનાનું લેખાનુદાન રજુ થાય તેવા સંજાગો છે. આ વખતના બજેટને લોકપ્રિય બનાવી મતદારોને આકર્ષવાની સરકારને તક છે. ગુજરાત સરકાર સામે રાજકીયની જેમ આર્થિક મોરચે પણ મોટા પડકારો છે તેથી બહુ મોટી રાહતો આપી શકાય તેમ નથી. ચૂંટણી માથે આવી રહી હોવાથી મોટા કરબોજ ઝીકવાનું રાજકીય રીતે પોષાય તેમ નથી. ખેડૂતોની નારાજગીએ ધારાસભાની ચૂંટણીમાં ભાજપને પરચોબતાવ્યો હોવાથી રાજયના આ વખતના બજેટને ખેડૂતલક્ષી બનાવવા પ્રયાસ થશે. ખેડૂતો પછી મહિલાઓ અને યુવાનોને ખુશ કરવાનો સરકારનો ઇરાદો છે.

ખેડૂતોનો મોટો વર્ગ છે. પાક વિમો, પોષણક્ષમ ભાવ, વીજ જાડાણ અને વીજ પુરવઠો, પાણી વગેરે મુદે ખેડૂતોમાં નારાજગી દેખાય છે. ખેડૂતોને રાજી કરવા સરકાર ખેતીને લગતી અમૂક ચીજવસ્તુઓમાં સબસીડીનો લાભ આપે તેમજ પોષણક્ષમ ભાવ અપાવવા કોઇ નીતિ જાહેર કરે તેવી શકયતા છે. ખેડૂતોને વ્યાજમાં પણ રાહત આપી શકે છે. ખેત ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને વેચાણ કિંમત સંતોષકારક મળે તેવી વ્યવસ્થા તરફ સરકારે નજર દોડાવી છે. કાંટાની વાડ જેવી યોજનાઓનું સરળીકરણ કરાશે. અર્થતંત્રને ધબકતુ રાખવામાં કૃષિક્ષેત્રની ચાવીરૂપ ભુમિકા છે. તેથી રાજયના બજેટમાં ખેડુતો માટેના ફાયદાનું મબલખ વાવેતર કરવામાં આવશે. અન્ય વર્ગ માટે મોટી રાહત કે યોજનાની સંભાવના નહીવત છે. એકંદરે બજેટ ખેડૂતો માટે વિશેષ લાભદાયી અને અન્ય વર્ગ માટે સામાન્ય બની રહે તેવુ અત્યારની સ્થિતિ મુજબનું અનુમાન છે.(૩-૭)

(2:31 pm IST)