Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સરકારે ભરતી અંગેની ખોટી જાહેરાત સંદર્ભે લોકોને ચેતવ્યા

ગુજરાતના યુવાઓ સાવધાન : શ્રમ-રોજગાર વિભાગના નામે આવેલી ફેક જાહેરાતથી પબ્લિકને સાવધાન રહેવા માટે સરકારે ચેતવણી આપી

ગાંધીનગર,તા.૧૭ : ન્યૂઝ પેપરમાં સીધી સરકારી ભરતીની જાહેરાત જોઈને તરત જ એપ્લાય કરતા પહેલા ચેતજો. હાલમાં જ એક ગુજરાતી ન્યૂઝપેપરમાં સીધી સરકારી ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ફોર્મ ભરીને ઓનલાઈન ફી ભરવા માટે પણ કહેવાયું હતું. જોકે આ પ્રકારની કોઈ ભરતી સરકારી વિભાગ દ્વારા બહાર પાડવામાં ન આવી હોવાનું સામે આવ્યું હતું. હવે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુરુવારે આવેલી આ ફેક જાહેરાતથી પબ્લિકને સાવધાન રહેવા માટે જણાવાયું છે. ન્યૂઝપેપરમાં આવેલી આ ફેક જાહેરાત ગુજરાત એમ્પલોયમેન્ટ સર્વિસિસના નામે આપવામાં આવી છે. જેમાં ઉમેદવારોને કેટલીક સરકારી પોસ્ટ માટે અરજી કરવા કહેવાયું છે. સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં આ જાહેરાતને ટ્રેપ કરવાનું તથા રિક્રૂટમેન્ટ એજન્સી સામે કાયદાકીય પગલા લેવાનું કહેવામાં આવ્યું છે. જાણીતા ગુજરાતી ન્યૂઝપેપરમાં અપાયેલી આ જાહેરાતમાં શરૂઆતમાં લખાયું છે કે, કોવિડ-૧૯ના અનુસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓ.

            જેમાં ગુજરાત રાજ્યના તમામ શહેર, તાલુકા અને જીલ્લા મુજબ, ૧૧ માસના કરાર આધારીત ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારોને ૩૦૦ રૂપિયા ઓનલાઈન ફી ભરવા માટે પણ કહેવાયું છે. જયારે વધુમાં જાણકારી માટે વેબસાઈટની મુલાકાત લેવા જણાવાયું છે. આ ખોટી જાહેરાતમાં વ્યવસાય વિકાસ અધિકારી, ગ્રાહક સેવા અધિકારી, જિલ્લા અધિકારી, કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા રાઈટર જેવી ૨૫૨૦ પોસ્ટનો ઉલ્લેખ કરાયો છે, આ માટે ૮,૫૦૦થી ૨૫,૫૦૦ સુધીનો પગાર આપવાની પણ વાત કરવામાં આવી છે. આવી ખોટી જાહેરાતોથી સાવધાન રહેવા અને સાઈબર ક્રાઈમનો ભોગ બનતા બચવા માટે ભાવનગર એપીના ફેસબુક પેજ પરથી પણ માહિતી આપવામાં આવી છે. જેમાં ન્યૂઝપેપરના આ કટીંગ સાથે કહેવામાં આવ્યું છે કે, સરકારી વેબસાઈટનું અધિકૃત ડોમેઈન ગર્વરમેન્ટ. ઈન હોય છે. ઉપરાંત સરકાર દ્વારા હંમેશા સરકાર માન્ય બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવતી હોય છે.

(7:34 pm IST)