Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વાપીના ડુંગરી ફળિયાની 500 રૂમમાં પોલીસ દ્વારા કોમ્બિંગ :પરપ્રાંતિયોના ક્રાઇમ રેકર્ડની ચકાસણી

36 વાહનોને જપ્ત કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો

વાપી વિસ્તારમાં વધતા ક્રાઇમને ધ્યાને લઇ તેમજ આગામી નવરાત્રિ-દિવાળી જેવા તહેવારોને લઈ જિલ્લા એસ.પી ડૉ. રાજદીપસિંહ ઝાલાની હાજરીમાં 200 જેટલા પોલીસ કર્મીઓએ વાપીના ડુંગરા વિસ્તારની 500 જેટલી રૂમમાં કોમ્બિગ હાથ ધરી 36 વાહનોને જપ્ત કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ડુંગરા વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા, વાપી વિભાગના DYSP વીરભદ્રસિંહ જાડેજા અને ડુંગરા પોલીસ મથકના PSI જે.વી.ચાવડા તથા PSI એલ.જી.રાઠોડ દ્વારા 200 પોલીસ કર્મીઓ સાથે કોમ્બીંગની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં બહારથી આવી ડુંગરી ફળિયા વિસ્તારમાં વસતા પરપ્રાંતિયોના ક્રાઇમ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી.

આ કોમ્બીંગમાં પોલીસે શંકાસ્પદ શખ્સો સામે અગાઉ કોઇ ગુનો નોંધાયો છે કે કેમ તેમજ આધાર-પુરાવા અંગેની માહિતી મેળવી હતી. ડુંગરી ફળિયામાં 40 જેટલી ચાલીઓના 500 રૂમમાં રહેતા વ્યક્તિઓ પાસેથી આ માહિતી મેળવી પોલીસે લાયસન્સ કે આરસી બુક વગરના કુલ 36 વાહનોને વાહન અધિનિયમ મુજબ કબજે કર્યા હતા. ડુંગરા વિસ્તારમાં અચાનક પોલીસના કાફલાને જોઇ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ સર્ચ ઓપરેશનમાં જિલ્લાના PI અને PSI સાથે ડુંગરા પોલીસે મેગા કોમ્બીંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસે ઘર-ઘરમાં જઇ ચકાસણી હાથ ધરી હતી. જે દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઇ જઇ સઘન પૂછપરછ કરી હતી.

મળતી માહિતી મુજબ નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો, વિધાનસભા પેટા, જિલ્લા-ગ્રામ પંચાયત, નગરપાલિકા ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે ડુંગરી ફળિયા વિસ્તારના 500 રૂમોમાં રહેતા પરપ્રાંતિય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

(6:38 pm IST)