Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સુરતમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબિકા નિકેતન મંદિર નવરાત્રિના નવ દિવસ દરમિયાન દર્શન માટે બંધ રહેશે

ઇતિહાસમાં પ્રથમ વાર કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટીગણ દ્વારા મંદિર દર્શનાર્થીઓ બંધ રાખવા નિર્ણય

સુરતઃ જિલ્લામાં ઇતિહાસમાં પ્રથમ વાર કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરત વાસીઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબિકા નિકેતન મંદિર નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવશે. નવરાત્રિના 8 અને 9માં દિવસે દર વર્ષે ભક્તોનો મંદિરમાં દર્શન માટે ભારે ઘસારો રહે છે. જ્યાં આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટીગણ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિર સુરતીઓનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દરેક તહેવારના સમય દરમિયાન ભક્તોનો  ધસારો જોવા મળતો હોય છે. સામાન્ય દિવસોમાં મંદિરમાં દર્શન માટે ભક્તોની ચહલ-પહલ તો રહેતી જ હોય છે. પરંતુ આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીનું મોટુ ગ્રહણ મંદિરને નડ્યું છે. આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે મંદિરમાં ભક્તોનો ભારે ધસારો થવાની પૂરેપુરી શક્યતા રહેલી છે.

   મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 17મી ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અંબિકા નિકેતન મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે નવ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 50 વર્ષ જૂના આ મંદિરના પ્રાગણ ભાવિક ભક્તોના દર્શન માટે નવરાત્રિ દરમિયાન બંધ રાખવાના નિર્ણય સામે ભક્તોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. મહત્વની વાત છે કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારીમાં જો મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે તો ભારે ધસારાને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેથી મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા આ મહત્વનો નિર્ણય લઇ નવ દિવસ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઇન દર્શનની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે.

(6:26 pm IST)