Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વડોદરાના કરજણ બેઠકના ઉમેદવાર મત માંગવા ગયા તો ખેડૂતોએ પૂછયા અનેક પ્રશ્નોઃ કપાસની ખરીદી મુદ્દે નારાજગી ઠાલવી

કરજણ : પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. આવામાં વડોદરાની કરજણ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા ડોર ટુ ડોર ચૂંટણીનું રણશિંગું ફૂંકવા માટે ગામે ગામ તેઓ ફરી રહ્યા છે. ત્યારે તેઓએ હાલમાં શિનોર તાલુકામાં પોતાની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. કોઇ ગામમાં બહોળો પ્રતિસાદ મળ્યો તો કોઇ ગામમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે તેઓએ મોટા ફોફળીયા, ઝાંઝળ, કંજેઠા, ધમાપુરા સહિત ગામોમાં પોતાના ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ભાજપ દ્વારા અન્ય ધારાસભ્યોને પેટાચૂંટણીના પ્રચારની જવાબદારી સોંપાઇ છે ત્યારે ભરૂચ અને ડભોઇના ધારાસભ્ય પણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા હતા. આ બાબતે ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આયાતી ઉમેદવાર કહેવામાં આવ્યા હતાં. કારણ કે કિરીટસિંહ જાડેજાનું નિવાસસ્થાન વડોદરાના છે જેને લઇ અક્ષય પટેલ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હતું.

આ સાથે જ હાલ શિનોર તાલુકામાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી  આવી નથી જેના કારણે શિનોર તાલુકાના ખેડૂતો અક્ષય પટેલથી નારાજ છે, જેથી તેઓને કેટલાક ગામોમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાને પણ શિનોર તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ શિનોર તાલુકામાં તેમનું વતન આવેલ છે.

જેથી મતદારોને રિઝવવા માટે અક્ષય પટેલ સાથે તેઓ પણ જઇ રહ્યા છે એટલું જ નહિ, ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં શિનોર તાલુકામાંથી ત્રણ હજાર મતથી ભાજપ પાછળ હતું, ત્યારે હવે આવનારા સમયમાં ૩ નવેમ્બરે શિનોરના મતદારો કોના ઉપર વિશ્વાસ મૂકશે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.      

(5:47 pm IST)