Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જીવતી ગાય મારણ માટે મૂકી શખ્સોએ વિકૃત આનંદ લીધો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ : વીડિયો કોડિનાર તેમજ ઉના વચ્ચેનો હોવાનું મનાય છે ઘટના સંદર્ભ વન વિભાગે પણ સઘન તપાસ શરૂ કરી

ગાંધીનગર,તા.૧૬ : સોશિયલ મીડિયામાં હાલ ત્રણ જેટલા વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં ગેરકાયદે સિંહ દર્શન માટે જીવતી ગાયને મારણ માટે મૂકીને કેટલાક શખ્સો વિકૃત આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ વિડીયો કોડિનાર અને ઉના વચ્ચેનો હોવાનું મનાય છે. આ ઘટના સંદર્ભ વન વિભાગે પણ તપાસ શરૂ કરી દીધી છે. વાઈરલ થઈ રહેલા એક વિડીયોમાં બતાવાઈ રહ્યુ છે કે એક ગાયને દોરીથી બાંધીને રાખવામાં આવી છે, તેનાથી ૧૦૦ મીટર દૂર બે બાઈક પાર્ક કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું એક ગ્રુપ ત્યાં છે જેમાંથી કેટલાકના હાથમાં વન રક્ષક પાસે હોય તેવો દંડો છે. વિડીયોની શરૂઆતમાં સિંહ મારણ તરફ દોડતા દેખાય છે. જ્યારે ગાય ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતી જોવા મળે છે પરંતુ તે બાંધેલી હોવાના કારણે કંઈ કરી શકતી નથી. સિંહ ગાયનું મારણ કરતો હોય છે ત્યારે કેટલાક લોકો વિડીયો અને ફોટો પાડી રહ્યા હોય છે.

             વિડીયો જોનારા સીનિયર અધિકારી કહે છે, જેવી રીતે ગ્રુપ કેમેરા સાથે તૈયાર હતું, તે જોઈને લાગે છે કે આ તેમના માટે નિત્યક્રમનું કામ છે. તેઓ કેટલાક દિવસ માટે સિંહને ખાવા નહીં આપતા હોય બાદમાં વધારે પૈસા લઈને ગેરકાયદે સિંહ દર્શનનું આયોજન કરતા હોઈ શકે છે. ગીરના નાયબ વન સંરક્ષક ધીરજ મિત્તલે કહ્યું, અમને લાગી રહ્યું છે કે આ વિડીયો અમારા ડિવિઝનમાં ક્યાંક રેકોર્ડ કરવામાં આવ્યો હોઈ શકે છે અને અમે વિડીયોમાં રહેલા વ્યક્તિને ઓળખી લીધો છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરાશે. ઉલ્લેખનીય છે કે ગીર અભ્યારણમાં ઓક્ટોબરથી જૂન સુધીમાં કેટલાક જીવ ડ્રાઈવર્સ અને વન રક્ષકો દ્વારા ગેરકાયદે સિંહ દર્શન યોજાતા હોય છે. આ લોકો પ્રતિ વ્યક્તિએ ૨૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા વસૂલ કરતા હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સિંહને ગાય કે ભેંસનું મારણ કરીને મિજબાની માણતા જોવા ઈચ્છે તો પ્રતિ વ્યક્તિ ૮૦૦૦-૧૦,૦૦૦ ચાર્જ કરાતા હોય છે.

(9:01 pm IST)