Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમદાવાદમાં ૧૦ હજાર રૂપીયા એડવાન્સ આપીને ૮ લાખની કાર ફરવા લઇ જઇને ર મહિલા રફુચક્કર

અમદાવાદઃ રૂ. ૧૦ હજાર એડવાન્સ આપ્યા બાદ બે મહિલાઓ ટ્રાવેલ્સ એજન્સીની કાર લઇને નાસી જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ નારણપુરામાં રહેતા હેમરાજ રાઉલજી નારણપુરામાં ખાનગી ટ્રાવેલ એજન્સી ધરાવે છે. ગત છઠ્ઠી ડીસેમ્બરે તેમને એક મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં તેની ઓળખ પુજા પલાન્ડા તરીકે આપી ને જણાવ્યું હતું કે તેઓ ૧૦મી તારીખ પુનાથી અમદાવાદ ફરવા માટે આવવાના છે અને તેમને ઇનોવા કાર સેલ્ફ ડ્રાઇવ કરવા માટે ભાડે લેવાની છે. જેથી હેમરાજે કારના સીલેક્ટ કરવા માટે પુજાને વોટ્સએપમાં કારના પીક્ચર મોકલતા પુજાએ કારને ફાઇનલ કરી હતી. ત્યારબાદ ૧૦મી ડીસેમ્બરે ફરીથી પુજાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી ગયા છે અને કારની જરૂર છે. જેથી હેમરાજ ઇનોવા કાર લઇને એરપોર્ટ સર્કલ ગયા હતા અને પુજા પાસેથી ડ્રાઇવીંગ લાયસન્સની કોપી અને એડવાન્સમાં ૧૦ હજાર રૂપિયા લઇને ચાર દિવસ માટે સેલ્ફ ડ્રાઇવ માટે કાર પુજાને આપી હતી. આ સમયે તેની સાથે એક અન્ય મહિલા પણ હતી. આ દરમિયાન તા. ૧૪નારોજ કાર પરત લેવા માટે પુજાને ફોન કર્યો ત્યારે તેણે ફોન રીસીવ કર્યો નહોતો અને થોડીવારમાં ફોન સ્વીફ ઓફ કરી દીધો હતો. જેથી હેમરાજને શંકા ગઇ હતી અને સતત બે દિવસ સુધી ફોન સ્વીચ ઓફ આવતા તેમણે ડ્રાઇવીંગ લાયસન્સમાં દર્શાવવામાં આવેલા પુનાના સરનામા ખાતે તપાસ કરાવી હતી ત્યારે આંચકો લાગ્યો હતો. કારણ કે ડ્રાઇવીંગ લાયસન્સ ડમી હતુ અને બંને મહિલાઓ ચુનો લગાવી કાર લઇ ફરાર થઇ ગઇ હતી.

આ અંગે સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હેમરાજ રાઉલજીએ જણાવ્યું કે બંને મહિલાઓ વિરૂધ્ધ અનેક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ઉદેપુરમાં તેઓ હોટલનું ભાડુ ચુકવ્યા વિના ફરાર થઇ ગઇ હતી તેમજ મુંબઇમાં પણ કાર લઇ નાસી ગયા હતા.

(6:09 pm IST)