Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વડોદરામાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશમાં ઝીરો અસર જોવા મળી

વડોદરા:શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને મેયર દ્વારા 15 દિવસમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ 15 દિવસનો સમય વિત્યો હોવા છતાં આ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી. હજુ પણ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગાજરાવાડી, ખોડીયાર નગર, સરદાર એસ્ટેટ, નવાયાર્ડ, માંજલપુર સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર જાણે પાંજરાપોળ હોય તેવા દ્રશ્યો છતાં થયા છે.

વડોદરા શહેરમાં 5મી ઓક્ટોબરથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તંત્રના દબાણ ખાતાની ટીમ દ્વારા  5 ટીમો બનાવી ઢોરને પકડી રહ્યા છે. જેમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ મોટા ઉપાડે 15 દિવસમાં ઢોરના ત્રાસને દૂર કરવાનો નિર્ધાર કર્યો હતો. પ્રથમવાર ગાય કે ઢોર પકડાયા તો 6 હજાર, બીજીવાર ઢોર પકડાય તો 11 હજારનો દંડ અને ત્રીજી વખત ઢોર પકડાય તો પશુપાલકને પાસા કરવાનો નિર્ણય હાલ ખોરંભે છે. આ ઉપરાંત પાલિકા છેલ્લા કેટલાય વર્ષો આર.એફ.આઇ.ડી. ટેગીંગ ૫ણ કરી રહી છે, પરંતુ આશરે 25% થી 30% એટલે કે આશરે 6000 જેટલા પશુઓનુ આરએફઆઇડી ટેગિંગ બાકી છે.  પશુપાલક દ્વારા ઢોરનું આર.એફ.આઇ.ડી ટેગિંગ કરાવવામાં નહીં આવ્યું હોય તો તે ઢોરને છોડવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લીધો હતો. અત્રે નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા છે જેનો યોગ્ય નિકાલ લાવવો જરૂરી છે. જેથી લોકોને વગર કારણે ઢોરના કારણે અકસ્માતનો ભોગ ન બનવું પડે તેમજ રખડતાં પશુઓને ખોરાક અને આશ્રય મળે. વડોદરામાં 2 હજાર પરિવાર પશુપાલક છે, જેમના 20 હજાર ગાય ભેંસ છે. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વર્ષો જૂની છે. પશુપાલકો તેઓના ઢોરોને બેફામ રીતે રસ્તા ૫ર છોડી દેતાં પશુ જાહેર રસ્તા ૫ર આવી જાય છે, જેથી રસ્તા ૫ર અવર-જવર કરતાં લોકોને ગંભીર અકસ્માત તેમજ જાનહાનિનો સામનો કરવો પડતો હોય છે.

(5:59 pm IST)