Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

હોમગાર્ડ સહિત ત્રણે વ્યાજ માટે ધમકીઓ આપતાં પાનના ધંધાર્થીએ હાથની નસ કાપી

સોલા પોલીસે ગુનો નોંધી તત્કાળ બે આરોપીને પકડ્યાઃ એકની શોધખોળ

અમદાવાદ તા. ૨૦: વ્યાજખોરીના કિસ્સા અવાર નવાર સામે આવતાં રહે છે. વ્યાજની ઉઘરાણી માટે લેણદારો ગમે તે હદ સુધી જતાં અચકાતા હોતાં નથી. ઘણીવાર વ્યાજખોરીમાં ફસાયેલા હોય એવા લોકો કંટાળીને આપઘાતનો માર્ગ પણ અપનાવી લેતાં હોય છે. અમદાવાદમાં એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસપુત્ર અને હોમગાર્ડની વ્યાજ માટેની ધમકીને કારણે એક યુવાને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતાં ગુનો દાખલ થયો છે.

મુળ રાજસ્થાનના અને ચાંદલોડીયાની સત્તાધાર સોસાયટીમાં રહેતાં પાનના ધંધાર્થી સુરેશ રૂપારામ સાપેલા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી પોલીસે વિષ્ણુ ભરવાડ, તેના પિતા અને કાકા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સુરેશ સાપેલાએ લોકડાઉનમાં વર્ષ ૨૦૨૦માં ધંધા માટે સાબરમતીના કાળીગામમાં રહેતાંરિન્કુ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૨.૮૩ લાખ લીધા હતાં. તેમજ ન્યુ રાણીપમાં રહેતાં વિષ્ણુ ભરવાડ પાસેથી ૧૨ ટકાના વ્યાજે એક લાખ અને રાહુલ શર્મા પાસેથી છ ટકાના દરે એક લાખ  લીધા હતાં. રિન્કુને કટકે કટકે વ્યાજના ત્રણ લાખ ચુકવી દીધા હતાં. જ્યારે વિષ્ણુ અને રાહુલને પાંચ મહિના સુધી વ્યાજ આપ્યું હતું. આમ છતાં ત્રણેય વધુ વ્યાજ માંગી ધમકી આપતાં હતાં. આથી કંટાળીને સુરેશે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના કહેવા મુજબ રાહુલ શર્મા હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને તેના પિતા તથા કાકા પોલીસમાં ફરજ બજાવે છે. પીઆઇ જે. પી. જાડેજાએ આ ગુનામાં રાહુલ અને રિન્કુને પકડી લીધા છે. વિષ્ણુની શોધખોળ થઇ રહી છે.

(2:50 pm IST)