Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અમદાવાદના કબ્રસ્તાનો પરનાં દબાણો દૂર થશે

તાત્કાલિક પગલાં લેવા વકફ બોર્ડને ટ્રીબ્યુનલની સુચના : ચારતોડા કબ્રસ્તાનમાં ૩૦૦ મકાનો,દુકાનો અને ગેરેજ ઉભા થઇ ગયા છે : વકફ ટ્રિબ્યુનલ

અમદાવાદ,તા. ૨૦ : ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલે અમદાવાદના રજિસ્ટર્ડ કબ્રસ્તાનો પરના ગેરકાયદે દબાણ દૂર કરવા આદેશ આપ્યો છે. ચારતોડા કબ્રસ્તાન પરના મકાનોમાં રહેતા લોકોએ દ્વારા કરાયેલી ૧૧ અરજીઓના કેસમાં ટ્રિબ્યુનલે અન્ય કબ્રસ્તાનો પરના ગેરકાયદે દબાણો દૂર કરવા પણ આદેશ આપ્યો છે.

ચારતોડા કબ્રસ્તાન અંગેના કેસની સુનાવણીમાં ટ્રિબ્યુનલ સમક્ષ રજુઆત કરાઇ હતી કે વકફ કમિટી આ કેસોનું પ્રોસિકયુશન વકફ બોર્ડ સમક્ષ કરવા માંગી'તી હોવાથી અરજીઓ પરત ખેંચવામાં આવે છે. જો કે ટ્રિબ્યુનલે કહ્યુ હતુ કે વકફ બોર્ડના સી.ઇ.ઓ.ની. ફરજ છે કે કબ્રસ્તાન આસપાસના દબાણો દૂર કરવા આવે.

ટ્રિબ્યુનલે ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાન, પીરકમાલ કબ્રસ્તાન, લાલઘૂમતી કબ્રસ્તાન અને મુસા સુહાગ કબ્રસ્તાન પરના દબાણો દુર કરવા આદેશ આપ્યો છે. તાત્કાલિક દબાણો દૂર કરી કબ્રસ્તાન ફરતે દિવાલ બાંધવાનો આદેશ અપાયો છે અને તે માટે પોલીસ સુરક્ષા પુરી પાડવાનો નિર્દેશ પણ ટ્રિબ્યુનલ દ્વારા કરાયો છે. 

(2:50 pm IST)