Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

એસજીવીપી ગુરુકુલમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મહાભિષેક અડાલજ વાવના જળને કુંભભરી લાવતા જલગરિયાઓનું સન્માન કરતા સંતો

ઠાકોરજીને 75 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો. અન્નકૂટનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવેલ

અમદાવાદ તા. ૨૦ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.

     આ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં સંતો સહિત સ્નાન  કરતા.

તે પ્રસાદીભૂત વાવના જળને ગુરુકુલના સંતો અને ઋષિકુમારો પગપાળા ચાલી મસ્તકે કળશ ધારણ  કરી ગુરુકુલમાં લાવ્યા  ત્યારે સંતો અને ઋષિકુમારોએ સ્વાગત કરી સાથે શોભાયાત્રા કાઢી હતી. અને તે કળશોની શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ  આરતિ ઉતારી તે કળશોને ઘનશ્યામ મહારાજની સમિપમાં પધરાવવામાં આવેલ.

       તે પ્રસાદીભૂત જળ, ગંગાજળ તેમજ  ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ. ત્યારબાદ ઠાકોરજીને ૭૫ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવેલ.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ દરેક પ્રાણીમાત્રમાં ભગવાનનો વાસ છે, તેમની સેવા એ પણ દેવ સેવા જ છે એમ કહી અભિષેક અને અન્નકૂટનો મહિમા સમજાવ્યો હતો. પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી વર્ષાઓની પરંપરા પ્રમાણે અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવેલ

અભિષેકની તમામ  વિધિ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી તથા ત્રિવેદી ભગીરથભાઇ અને જોષી ચિંતનભાઇએ કરાવી હતી.

આ પ્રસંગે લંડનથી ગોવિંદભાઈ રાઘવાણી, વલ્લભભાઇ બાબરિયા વગેરે હરિભક્તોએ યજમાનપદે પ્રસંગનો લાભ લીધો હતો.

 

(12:23 pm IST)