Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

એસ.ટી. યુનિયન આગેવાનો અને સરકાર વચ્‍ચે પ્રથમ મંત્રણા અંશતઃ સફળઃ આજે ફરી બોલાવશેઃ નિવેડો નહી તો મધરાતથી હડતાલ

જો હડતાલ પડશે તો અંધાધૂંધીઃ દેકારો મચી જશેઃ નાણાખાતાના અધિકારીઓ કહે છે આ લોકોને મોંઘવારી ન મળે : મંત્રીઓ-અધિકારીઓ પોઝીટીવ હોવાનો નિર્દેશઃ ર૮ મહિનાનું મોંઘવારીનું એરીયર્સ મુદ્‌્‌ે પ્રશ્ન લટકયો

રાજકોટ તા. ર૦ : રાજયના ૪૦ હજાર એસ. ટી. કામદારોની હડતાલ તોળાઇ રહી છે, ડ્રાઇવર-કંડકટરના ૧૯૦૦ ના ગ્રેડમાં સુધારો, ફિકસ પગારવાળા કર્મચારીઓના પગારમાં વધારો અને ર૮ મહિનાનું મોંઘવારીનું પ ટકા એરીયર્સ બાકી છે, તે તથા હાલમાં ૧૧ ટકા મોંઘવારી જાહેર થઇ તે મળી કુલ ૧૬ ટકા મોંઘવારીના મુખ્‍ય પ્રશ્ને લડત શરૂ થઇ છે.
ગઇકાલે મંત્રીઓ - એસ.ટી.ના અધિકારીઓ - નાણા ખાતાના અધિકારીઓ સાથે એસ. ટી.ના ત્રણેય યુનિયનોની કમીટીની મંત્રણા થઇ હતી, રાત્રે ૧૦ાા સુધી મંત્રણા ચાલી, અનેક મુદા અંગે સરકાર સહમત થયાનું બહાર આવ્‍યું છે, ટૂંકમાં યુનિયન આગેવાનો અને સરકાર વચ્‍ચે મંત્રણા અંશતઃ સફળ રહી છે.
યુનિયન આગેવાનો શ્રી વેકરીયા, શ્રી ઘનશ્‍યામભાઇએ અમદાવાદથી ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે મંત્રીઓ અધિકારીઓ પોઝીટીવ છે, નવી સરકાર છે, છતાં ઝડપી નિર્ણય લઇ રહી છે, એક મોંઘવારીના પ્રશ્ને મડાગાંઠ છે, કંઇક ગેરસમજ છે, અમારી ર૮ મહિનાની મોંઘવારીનું એરીયર્સ બાકી છે, જે મુદા અંગે નાણાખાતાના અધિકારીઓ એમ કહે છે, કે એસટીના કર્મચારીઓને મોંઘવારી ન મળે, અને તે બાબતે પ્રશ્ન લટકયો છે.
ઘનશ્‍યામભાઇએ જણાવેલ કે આજે કેબીનેટ મીટીંગ છે, તે પછી આ લોકો ફરી મંત્રણા માટે બોલાવશે, અમે પણ પોઝીટીવ છીએ, અમે એસટીને ભાંગી નાખવા નથી માંગતા, પણ અમારો પ્રશ્ન વ્‍યાજબી છે, આથી આશા છે કે આજે પ્રશ્ન ઉકેલાઇ જશે.
જો પ્રશ્ન નહિ ઉકેલાય તો લડત ફાઇનલ છે, તો મધરાત્રે ૧ર વાગ્‍યાથી ૪૦ હજારથી વધુ એસ. ટી. કર્મચારીઓ બેમુદતી હડતાલ પર ઉતરી જશે, ૭ાા હજાર બસોના પૈંડા થંભી જશે, અંધાધૂંધી થવાનો ભય છે, તહેવારો સમયે જ મુસાફરો હેરાન-પરેશાન થશે તે પણ હકિકત છે, સરકાર આ બાબતે યોગ્‍ય નિર્ણય લ્‍યે  તે જરૂરી બની ગયું છે.

 

(11:29 am IST)