Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ઉકાઈ ડેમનું જળસ્તર ભયજનક લેવલને પાર પહોંચ્યું :ડેમના 22 દરવાજા પૈકી 5 દરવાજા 5.5 ફૂટ ખોલાયા

ડેમમાં હાલ પાણીની આવક 89 હજાર ક્યુસેક જયારે ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં ઉકાઈ ડેમની જળસપાટી ભયજનક લેવલને પાર પહોંચી છે. ઉકાઈની સપાટી 345.25 ફૂટ પર પહોંચી છે. જેમાં ઉપરવાસમાં 2 ઇંચ વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે તાપી નદીના હથનુર અને પ્રકશા ડેમમાંથી પાણી છોડાયું છે.

તેમજ ઉકાઈ ડેમમાં હાલ પાણીની આવક 89 હજાર ક્યુસેક છે જયારે ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 22 દરવાજા પૈકી 5 દરવાજા 5.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉકાઈના ઉપરવાસમાં પાછોતરા વરસાદની આગાહીના પગલે હાલ ડેમમાં પાણીના લેવલને પાણી છોડીને મેઇનટેન કરવામાં આવી રહ્યું છે.

આ પૂર્વે ત્રણ ઓકટોબરના રોજ તાપી જિલ્લાના ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. જેમાં પાણીની આવક થતા ડેમમાંથી 1 લાખ 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેમજ ડેમના 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા.ત્યારે ઉકાઇ ડેમની જળસપાટી 344.04 ફૂટે પહોંચી હતી.જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે

(9:16 pm IST)