Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદ વસ્ત્રાપુર પીઆઈ જાડેજાને કોરોના પોઝિટિવ

પોપ્યુલર ગ્રૂપના જમીન કૌભાંડ અને 65 લાખનો તોડકાંડની તપાસને અસર

અમદાવાદ: વસ્ત્રાપુર પીઆઈ જાડેજા કોરોના પોઝિટિવ આવતા શહેરના ચર્ચાસ્પદ બે કેસની તપાસને અસર થઈ છે. પીઆઈ જાડેજા પોપ્યુલર ગ્રૂપના રમણ-દશરથ સહિત 9 આરોપીઓ વિરુદ્ધ થલતેજની અબજો રૂપિયાની જમીન હડપવાની ફરિયાદની તપાસ કરતા હતા.  બીજી તરફ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના લોકોએ 65 લાખનો તોડ કર્યાની ચર્ચાની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી હતી. જોકે આ બન્ને કેસની તપાસને અસર થઈ છે. બીજી તરફ સોમવાટે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા પીઆઈ વાય.બી.જાડેજા સારવાર હેઠળ છે. જ્યારે પોપ્યુલર ગ્રૂપના રમણ-દશરથ અને છગન પટેલ સહિતના નવ લોકો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસ વસ્ત્રાપુરના સેકન્ડ પીઆઈ વી.એમ.દેસાઈએ હાથ પર લીધી છે.

મુંબઈ ખાતે બોરીવલી ઈસ્ટમાં સમર્પણ વિંગમાં રહેતાં ચંચળબહેન ઉર્ફ સુશીલાબહેન ભાઈલાલભાઈ બ્રહ્મભટ્ટ (ઉં,82)એ ગત શનિવારે સાંજે પોપ્યુલર ગ્રૂપના રમણ ભોળીદાસ પટેલ (ઉં, 65),તેમની પત્ની મયુરીકાબહેન (ઉં,62), છગન ભોળીદાસ પટેલ (ઉં,69), તેમની પત્ની કોકિલાબહેન (ઉં, 68), દશરથ ભોળીદાસ પટેલ (ઉં,60), તેમની પત્ની લતાબહેન (ઉં,56 ), સરીતાબહેન નટવરભાઈ પટેલ (ઉં,62), તેમનો પુત્ર ક્રિનેશ નટવર પટેલ (ઉં,39) તમામ રહેવાસી ઘનશ્યામપાર્ક સોસાયટી, અશ્વમેઘ બંગલો સામે, સેટેલાઇટ અમદાવાદ અને પ્રથમેશ.સી.પટેલ (ઉં,42) રહે, પ્રતિમા સોસાયટી, નવરંગપુરા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોપ્યુલર ગ્રૂપના ત્રણ ભાઈઓ અને ત્રણેયની પત્નીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી), 34 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

પોલીસે આ મામલે ફરિયાદી ચંચળબહેન સહિત બે લોકોના નિવેદન નોંધ્યા હતા. દરમિયાન પોપ્યુલર ગ્રુપ સામેના જમીન કૌભાંડની તપાસ કરી રહેલા વસ્ત્રાપુર પીઆઈ વાય.બી જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓને તત્કાળ અસરથી સારવાર માટે ખસેડાયા હતા.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો હવાલો સેકન્ડ પીઆઈ વી.એમ દેસાઈને સોંપવામાં આવ્યો છે. સાથે સાથે પીઆઈ દેસાઈએ પોપ્યુલર ગ્રૂપના રમણ દશરથ સહિતના આરોપીઓ વિરુદ્ધની તપાસ સંભાળી છે. જોકે દેસાઈને આ કેસમાં નવેસરથી એકડો ઘૂંટવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ વસ્ત્રાપુર પોલીસે ક્રિકેટ સટ્ટામાં ઝડપેલાં બે આરોપીઓ પાસેથી કોલ સેન્ટરનો કેસ ના કરવા રૂ.65 લાખનો તોડ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ મામલે પોલીસ કમિશનરે બી ડિવિઝનના એસીપી એલ.બી.ઝાલાને તપાસ સોંપી હતી. જે તપાસમાં વસ્ત્રાપુર પોલીસને એસીપી ઝાલા તરફથી ક્લીનચીટ આપવામાં આવી હતી.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ક્લીનચીટનો રિપોર્ટ આવ્યા બાદ 65 લાખના તોડની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમબ્રાન્ચે આ મામલે પુરાવા એકત્ર કરવા માટે ક્રિકેટ સટ્ટામાં પકડાયેલા બે આરોપીઓને જવાબ આપવા હાજર થવા નોટિસ પાઠવી હતી. એક આરોપી પંજાબ જતો રહ્યો હોવાની વિગત પોલીસને મળી છે.

ક્રાઇમબ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ રૂ.65 લાખનો તોડ થયાની ચર્ચા છે. પણ ભોગ બનનાર વ્યક્તિ તેનો તોડ થયાની કોઈ રજુઆત લઈને આવી નથી. આથી તોડ કઈ વ્યક્તિનો થયો તે તપાસનો વિષય છે. જેથી આ કેસની તપાસ સમય માંગી લે તેમ છે.

આમ, વસ્ત્રાપુરના પીઆઈ જાડેજા કોરોના પોઝિટિવ આવતા એક સાથે બે કેસની તપાસને અસર થઈ છે. જેમાં પોપ્યુલર ગ્રુપ સામેની જમીન કૌભાંડની તપાસ અને વસ્ત્રાપુર પોલીસે કરેલા 65 લાખના તોડની ચર્ચાના કેસની તપાસનો સમાવેશ થાય છે.

(11:31 pm IST)