Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદ મ્યુનિ, કોર્પો,નું મોટું ઓપરેશન : એસજી હાઇવે પરથી 27.50 કરોડના મ્યુનિ. પ્લોટ પરનું દબાણ હટાવાયું

બોડકદેવમાં આકાશનીમ બંગલોઝમાં પહેલા માળનું બાંધકામ અને નવરંગપુરાના ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં માર્જીનમાં ઊભું કરાયેલા બાંધકામ પર હથોડાં ઝીંકાયા:હોટલ કંચન પેલેસના ચોથા માળનું બાંધકામ તોડી પડાયુ

અમદાવાદ: એસ.જી. હાઇવે પરની ગોકુલ હોટલની પાછળ આવેલ સ્કૂલ તથા પ્લે ગ્રાઉન્ડ માટેના મ્યુનિ. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટના 592 ચ. ફૂટનું 4 પાકા બાંધકામ તથા 25 રનીંગ મીટર ક્રોસ વોલ દૂર કરાઈ છે  5492 ચો.મી.ના આ પ્લોટની બજાર કિંમત આશરે 27.50 કરોડની થાય છે. આ પ્લોટ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તે જ રીતે બોડકેદવ સ્થિત આકાશનીમ બંગલોઝમાં પહેલાં માળનું ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પડાયું છે. આ ઉપરાંત નવરંગપુરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષની માર્જિનની જગ્યામાં કરી દેવાયેલા બાંધકામને પણ તોડી નાંખીને 700 ચો. ફૂટની જગ્યા ખુલ્લી કરાઇ છે.

અમદાવાદ શહેરમાં બિન અધિકુત બાંધકામો/બિલ્ડીંગો સામે ઝુંબેશ સ્વરુપે બિન અધિકુત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી આજે પણ હાથ ધરવામાં આવી હતી. શહેરના સાતેય ઝોનમાં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન આશરે 9325 ચો. ફૂટના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા. તો 600 મીટર લંબાઇના રોડની જગ્યા ખાલી કરાવાઇ હતી આ ઉપરાંત 5492 ચો. મીટરનો મ્યુનિ. પ્લોટ પણ ખુલ્લો કરાયો હતો. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 4,67,121 ચો. ફૂટ બાંધકામ દૂર કરાયું હતું. તથા 5400 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરાઇ છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં કુષ્ણધામ આવાસ યોજના સામે વેજલપુર ટી.પી. સ્ક્રીમ રોડ પર આશરે 1076 ચો. ફટના 3 કોમર્શીયલ તથા 8 યુનિટ રહેણાંક પ્રકારનું બાંધકામ તથા લુઝ દબાણો દૂર કરીને 300 રનીંગ મીટર ટી.પી. રોડ ખુલ્લો કરાયો છે. જયારે પૂર્વ ઝોનમાં રામોલ હાથીજણ વોર્ડમાં ફાયનલ પ્લોટ નં. 114/ પૈકી શિવ એસ્ટેટમાં દુકાન નં. 1થી 8ની ઉપર 2050 ચો. ફૂટનું ફર્સ્ટ ફલોર પર કોમર્શીયલ કરાયેલું બાંધકામ દૂર કર્યું છે. તો ઉત્તર ઝોનમાં નરોડા જીઆઇડીસી સામે મધુસુદન બિઝનેસ પાર્ક એન્ડ એસ્ટેટની દુકાન ન.બી 3 અને 4ની પાછળના ભાગે 1150 ચો.ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયું છે.

જયારે દક્ષિણ ઝોનમાં રામોલ સીટીએમ રોડ પર સોનલ પાપડ ફેકટરી પાસે આવેલ જય ખોડિયાર એસ્ટેટ શેડ નં. 1થી 5ના હયાત ગ્રાઉન્ડ ફલોરની ઉપર ફર્સ્ટ ફલોરમાં 1650 ચો. ફૂટ કરેલુ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન અધિકુત બાંધકામ દૂર કરાયું છે. તો મધ્ય ઝોનમાં કાલપુર સ્થિત હોટલ કંચન પેલેસના ચોથા માળે બાંધેલ આશરે 1724 ચો. ફૂટનું બાંધકામ દૂર કરાયું છે.

તે જ રીતે શાહીબાગ બારડોલપુરા ખાતે આવેલ ધનલક્ષ્મી ટ્રેડીંગ હયાત દુકાનની ઉપર સેકન્ડ ફલોરનું આશરે 258 ચો. ફૂટ તથા ખાડિયા ફર્નાન્ડીઝ બ્રીજથી ચાલ્લાં ઓળ સુધીના આશરે 69 નંગ પાકા ઓટલા તથા પગથિયાં પ્રકારના દબાણો દૂર કરીને આશરે 300 રનીંગ મીટર લંબાઇનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે

(11:19 pm IST)