Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરતમાં બીજેપી કોર્પોરેટર માસ્ક ઉતારીને ગરબે ઘૂમ્યાં

તંત્રની બેવડી નીતિથી લોકોમાં રોષ : સામાન્ય લોકો નિયમ ભંગ કરે તો મોટાં દંડ ફટકારાય છે, નેતાઓના તાયફા સામે આંખ આડા કાન થાય છે

સુરત,તા.૨૦ : કોરોના કાળમાં તંત્રની બેવડી નીતિથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. એક તરફ તંત્ર તરફથી આ વર્ષે ગરબાના આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ હાલ ચૂંટણીની સિઝન ચાલી રહી હોવાથી રાજકીય પાર્ટીઓના તાયફાઓ પર જાણ કોઈ જ કાબૂ ન હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય લોકો જો નિયમ ભંગ કરે તો તંત્ર તેને મોટાં મોટાં દંડ ફટકાર છે, પરંતુ રાજકીય આગેવાને તરફથી નિયમ ભંગ કે પછી રાજકીય પાર્ટીઓના કાર્યક્રમ હોય તો અધિકારીઓ આંખ આડા કાન કરી લે છે. ત્યારે સુરતમાં મહિલા કોર્પોરેટર ભાન ભૂલ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટર રૂપલ શાહ માસ્ક ઉતારીને ગરબે ઘૂમ્યા હતા. નારી સંરક્ષણ ગૃહ ખાતે તેઓ ગરબા રમવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે માસ્ક ઉતારીને ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે આખા રાજ્યમાં આ વર્ષે ગરબા કરવા પર પ્રતિબંધ છે. સરકાર તરફથી ફક્ત એક કલાક સુધી પૂજા અને આરતી કરવાની છૂટ આપવામાં આવી છે.

 ત્યારે સુરતમાં મહિલા કોર્પોરેટર રૂપલ શાહ ગરબે રમતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ ગરબાના આયોજનમાં હાજર રહેલા કોર્પોરેટરનું માસ્ક પણ ગળા પર લટકતું હતું. તેમની સાથે ગરબા લઈ રહેલા અન્ય કેટલાક લોકોએ પણ માસ્ક ન પહેર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. ખાસ વાત તો એ છે કે કોર્પોરેટરે પોતાના ફેસબુક પર આ વીડિયો લાઇવ કર્યો હતો. સુરતમાં મહિલા કોર્પોરેટર રૂપલ શાહ શહેરના નારી સંરક્ષણ ગૃહ ખાતે યોજાયેલા યોગ ગરબાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન કોર્પોરેટર માસ્ક હટાવીને ગરબે રમવા લાગ્યા હતા. અહીં માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવું અને પાંચથી વધારે લોકોએ એકઠા ન થવાના જાહેરનામાનો ભંગ થયો હતો. આ અંગેનો વીડિયો વહેતો થયા બાદ લોકો તેમની સમક્ષ પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે. આ મામલે કોર્પોરેટરે જણાવ્યું હતું કે, પરસેવો વળી ગયો હોવાથી માસ્ક ઉતારી દીધું હતું. સાથે જ તેઓએ એવું પણ જણાવ્યું હતું કે ચૂંટણી છે એટલે આવું તો ચાલવાનું જ છે. જેમણે જેવું વિચારવું હોય એવું વિચારે. એક તો માસ્ક ન પહેરવું અને ત્યાર બાદ આવો જવાબ આપતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે શનિ અને રવિવારના દિવસોમાં લોકો જ્યારે પરિવાર સાથે ફરવાના સ્થળે બહાર નીકળે છે ત્યારે સુરત પોલીસ તેમને પરત ઘરે મોકલે છે.

(7:56 pm IST)