Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દિવાળી બાદ 50 ટકા ક્ષમતા સાથે ઓડ-ઇવન પદ્ધતિથી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવા મુદ્દે ચર્ચા-વિચારણા

અમદાવાદઃ કોરોના મહામારી બાદ દેશમાં અનલોક શરુ થતાં ધંધો રોજગારની સાથે ઘણા રાજ્યોમાં શાળાઓ પણ શરુ કરાઇ છે. પરંતુ ગુજરાતમાં હજુ અસમંજસની સ્થિતિ છે. પહેલાં દિવાળી પછી શાળાઓ શરુ કરવાની વાત હતી. પરંતુ તે અંગે હજુ કંઇ નક્કર નિર્ણય લેવાયો નથી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યું તો છે કે એકના એક દિવસે શાળાઓ ખોલવી તો પડશે. પરંતુ ક્યારે તેનો કોઇ ફોડ પાડ્યો નથી. માત્ર હજુ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 3 ઓક્ટોબરે એનલોક-0.5 દરમિયાન કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય 15 ઓક્ટોબર બાદ શાળાઓ ખોલવા અંગેની ગાઇડલાઇન બહાર પાડી દીધી હતી. પરંતુ શિક્ષણ મંત્રાલયે આ અંગેનો નિર્ણય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો પર છોડ્યો હતો.

ધોરણ 1થી 8ના વર્ગો ખુલવાની શક્યતા નહીંવત

વેબિનારમાં મંતવ્યો પુછવામાં આવી રહ્યા છે. જેમાં 1થી 8 સુધીની શાળા નહીં ખોલવામાં શિક્ષણ વિભાગ કે શાળા-સંચાલકોએ સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે. શિક્ષણ વિભાગે શાળા સંચાલકો, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષણવિદો ઉપરાંત આરોગ્ય વિભાગના મંતવ્યો અને અભિપ્રાય મંગાવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ હકારાત્મક ચર્ચા શરુ થઇ રહી છે. રાજ્યમાં ધીમે-ધીમે ધંધો વેપાર અને બજારો ખુલી ગયા છે. માત્ર શિક્ષણ કાર્ય બંધ હોવાથી સામાન્ય મંત એવો છે કે શાળાઓ પણ શરુ થવી જોઇએ.

પરંતુ આરોગ્ય ખાતા તરફથી લીલી ઝંડી નથી મળતા સરકાર નિર્ણય લેતા થોડી ખચકાય છે. ન કરે નારાયણ ને શાળા ખોલવા જતાં અમેરિકા જેવી પરિસ્થિતિ સર્જાય તો માછલા ધોવાનો વારો આવી શકે છે.

એવું સાભળવા મળી રહ્યું છે કે દિવાળી બાદ 50 ટકા ક્ષમતા સાથે કે ઓડ-ઇવન (વિદ્યાર્થીઓના રોલ નંબરને આધારે) પદ્ધિતિથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવામાં આવી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શાળા શરુ કરવાની વાત છે.

માસ પ્રમોશનની વાલીઓની માગ ફગાવાઇ

એક બાજુ વાલી મંડળે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ કરી હતી. પરંતુ સરકારે તેનો ઇનકાર કરી દીધો છે. તેથી વહેલા મોડે શાળા શરુ થવાની આશા રાખી શકાય.

તાજેતરમાં ગુજરાતની સ્વનિર્ભર શાળાના સંચાલકો, જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમા વચ્ચે વેબિનાર યોજાયો હતો. જેમાં દિવાળી પછી ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા કે નહીં તે અંગ્ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળા ખોલવા સંકેત મળ્યા હોવાનું કહેવાય છે.

પરંતુ 1થી 8ની શાળા ખોલવા  કોઇ જ નિર્ણય લેવાયો નથી અલબત્ત ગ્રામીણ વિસ્તારોમાં ધોરણ 6થી8ના વર્ગો શરુ કરાઇ શકે છે.

સૌથી મોટો પ્રશ્ન સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનનો

વેબિનારમાં જે મુદ્દો વધુ ચર્ચાયો હતો. તે શાળા ખોલવામાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનનો હતો. અન્ય રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરુ કરાઇ રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હજુ તેનો નિર્ણય રાજ્ય સરકારોએ લીધો નથી.

સૌથી મોટી સમસ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની છે. કારણ કે 5-6 કલાક કલાસમાં વિદ્યાર્થીઓને બેસાડવા સામે જોખમ હોવાનું આરોગ્ય ખાતાનું કહેવું છે. તેથી આ સમસ્યાના ઉકેલ માટે ઓડ-ઇવન પદ્ધિતિથી વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શકાય કે કેમ તે અંગેની શક્યતા તપાસવમાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે ચર્ચા પછી નિર્ણય

વેબિનારમાં દિવાળી પછી શાળા ખોલવાના અભિપ્રાયની શિક્ષણમંત્રી ચુડાસમાએ નોંધ લીધી છે. હવે આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે વિચાર-વિમર્શ કરી નક્કર નિર્ણય લેવાશે. જેમાં વધુ સંખ્યાવાળી શાળાઓમાં ઓડ-ઇવન પદ્ધતિથી છાત્રોને બેસાડવાની સાથે સ્કૂલો ખોલી શકાય છે.

જ્યારે ઓછી સંખ્યાવાળી શાળામાં 50-50 ટકા વિદ્યાર્થીઓને બોલાવી શાળા શરુ કરી શકાય છે.

ક્યા રાજ્યોમાં શાળા શરુ થઇ ગઇ?

હરિયાણા- 15 ઓક્ટોબરથી 6થી 12 ધોરણની શાળા શરુ.

પુડુંચેરી- 8 ઓક્ટોબરથી 9થી12 ધોરણની શાળાઓ ચાલુ થઇ ગઇ

ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં 19 ઓક્ટોબરથી સ્કૂલો શરુ કરી દેવામાં આવી છે.

(4:33 pm IST)