Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ભારતમાલા પરિયોજના અંતર્ગત અમૃતસર-જામનગર ઇકોનોમીક કોરીડોરના સાંચોર-સાંતલપૂરના ૧રપ કિ.મી માર્ગની ૬ લેન નિર્માણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા અંદાજે ૧રપ કિ.મી ની લંબાઇનો આ માર્ગ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે તરીકે ૬ લેન રોડ દ્વારા નિર્માણ કરી રહી છે

પાટણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ કામગીરીની નિરીક્ષણ મુલાકાત બનાસકાંઠાના થરાદ ખાતે લીધી હતી

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા અંદાજે ૧રપ કિ.મી ની લંબાઇનો આ માર્ગ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે તરીકે ૬ લેન રોડ દ્વારા નિર્માણ કરી રહી છે.

કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા ભારતમાલા પરિયોજના અન્વયે અમૃતસર-જામનગર વચ્ચે આશરે ૧રપ૬ કિ.મીટરનો ઇકોનોમીક કોરિડોર નિર્માણ થવાનો છે.

આ સાંચોર-સાંતલપૂર વચ્ચેનો ૧૨૫  કિ.મી માર્ગ તે ઇકોનોમીક કોરિડોરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ૪ પેકેજમાં કુલ રૂ. ર૦૩૦.૪૪ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

પ્રત્યેક પેકેજમાં ૩૦ કિ.મી નો માર્ગ અંદાજે પ૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૬ લેન તરીકે કાર્યરત કરવાની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તબક્કાવાર હાથ ધરીને  ર૦ર૩ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવેલો છે

ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. એટલું જ નહિ, જામનગર, કંડલા અને મૂંદ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાની નેમ રાખવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે સવારે થરાદ નજીક આ ૬ લેન માર્ગ નિર્માણ સાઇટની મુલાકાત બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી અને પૂર્વમંત્રી શ્રી રજનીભાઇ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાના વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખીને લીધી હતી અને વિગતો મેળવી હતી. 

(5:42 pm IST)