Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

અમદાવાદમાં બનશે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ : 29મીએ ગૃહમંત્રી અમિતભાઇ શાહ કરશે ભુમીપુજન

નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે :સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાશે : નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી

અમદાવાદ:શહેરના નારણપુરા વિસ્તારમાં બની રહેલા વૈશ્વિક કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું 29મી મેના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. આ ભૂમિ પૂજન  દેશના ગૃહપ્રધાન અમિતભાઈ  શાહના હસ્તે કરવામાં આવશે. જેમાં અંદાજિત 800 કરોડના ખર્ચે આ સંકુલ બનવા જઈ રહ્યું છે જે અમદાવાદને એક વૈશ્વિક ઓળખ અપાવશે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ 7 જેટલી રમતો રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે છે. શહેરમાં SVP હોસ્પિટલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે શહેરમાં વધુ એક નવું નજરાણું ઉમેરાશે.નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.

જેમાં આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

(12:17 am IST)