Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ચેતજો:વલસાડ જિલ્લામાં લગ્ન સમારંભમાં કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ ની ચેતવણી

જિલ્લાના તમામ પ્રિન્‍ટિંગ પ્રેસના માલિકોને ત્‍યાં લગ્નની કંકોતરીના છાપકામની એક-એક કોપી પોલીસ અને મામલતદારને મેળવી લેવા સૂચના :કંકોતરીના સરનામું અને તારીખના આધારે પોલીસની ટીમ લગ્નના આગલા દિવસે સ્‍થળ ઉપર જઇ ઘરવાળાઓને કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવાની સમજ આપશે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્‍યાને રાખી જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે અગમચેતીના ભાગરૂપે આગામી લગ્નગાળા દરમિયાન એકઝીકયુટીવ મેજિસ્‍ટ્રેટ અને પી.એસ.આઇ.ને કોવિડ-૧૯ના નિયમોનો ભંગ ન થાય તે માટે જવાબદારી સોંપી છે. જે અનુસાર ગામડાઓમાં ડી.જે.ના તાલે વરઘોડાઓ નીકળે, નિયમ વિરુદ્ધના સમારંભો થાય અને કોરાના સંક્રમણની સ્‍થિતિ વકરે એ પ્રકારના કોઇપણ કિસ્‍સા ન બને તેની તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ પ્રિન્‍ટિંગ પ્રેસના માલિકોને ત્‍યાં લગ્નની કંકોતરીના છાપકામની એક-એક કોપી પોલીસ અને મામલતદારને મેળવી લેવા સૂચના આપી છે. આ કંકોતરીના સરનામું અને તારીખના આધારે પોલીસની ટીમ લગ્નના આગલા દિવસે સ્‍થળ ઉપર જઇ ઘરવાળાઓને કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવાની સમજ આપશે. તેમ છતાં પણ જો બીજા દિવસે કોવિડ-૧૯ના નિયમનો ભંગ થતો માલુમ પડશે તો તેમની સામે પોલીસ કાયદેસરનો ગુનો દાખલ કરશે. વધુમાં જે ગામમાં કોઇપણ આવો કિસ્‍સો બનશે, તે ગામના સરપંચને શા માટે હોદ્દા ઉપરથી દૂર કેમ ન કરવા? તેની નોટીસ આપવાની સાથે તલાટીને પણ આમાં જવાબદાર ગણી શિક્ષાત્‍મક પગલાં લેવાની જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે ચેતવણી આપી છે.

(7:37 pm IST)