Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઑક્સિજન આપો : અમિત ચાવડાએ લખ્યો અંબાણીને પત્ર

ઑક્સિજનનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ઑક્સિજન ગુજરાતને પણ આપવામાં આવે

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે હાલત ખરાબ થઈ રહી છે. સંક્રમણ વધી રહ્યું છે અને સામે હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. આ બધા વચ્ચે સૌથી મોટી આફત એ થઈ રહી છે કે હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ રિલાયન્સના મુકેશ અંબાણીને પત્ર લખ્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઑક્સિજન રિલાયન્સ દ્વારા આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઑક્સિજન વિના મૂલ્યે આપવામાં આવ્યો છે. જેનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે

 અમિત ચાવડાએ માંગ કરી છે કે ઑક્સિજનનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ઑક્સિજન ગુજરાતને પણ આપવામાં આવે. ગુજરાતની અનેક હોસ્પિટલોમાં હાલ ઑક્સિજનની ઘટ વર્તાઈ રહી છે.

 અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડ.લિમિટેડ જામનગર ખાતેની તેની રિફાઈનરીમાંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્રને મફતમાં પૂરો પાડી રહી છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરુ કર્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ ઑક્સિજનની ભારે અછત છે.

(1:14 pm IST)