Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રૂપાણી રાજીનામુ આપે તેવી માંગની સાથે ઉગ્ર સુત્રોચ્ચાર

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે હોબાળો : રાજયપાલના પ્રવચન દરમ્યાન કોંગ્રેસે જોરદાર હોબાળો મચાવતા પ્રવચન સમેટાયું : ગૃહની કાર્યવાહી મોકુફ રહી

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત વિધાનસભાનું આજથી શરૂ થયેલું બજેટ અપેક્ષા મુજબ, હંગામા અને હોબાળા સાથે શરૂ થયું હતું. પહેલા જ દિવસે વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ સામે બાંયો ચડાવી રાજયપાલના પ્રવચન દરમ્યાન જ જોરદાર હોબાળો મચાવી મૂકયો હતો. જેના કારણે રાજયપાલને માત્ર પાંચ જ મિનિટમાં પોતાનું પ્રવચન પૂરું કરવાની ફરજ પડી હતી. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં જોરશોરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ પાણી વગરના રૂપાણી રાજીનામુ આપો સહિતના જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળાથી ગૃહ ગજવી મૂકયું હતું. આજથી ૧૪મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું હતું, ત્યારે પ્રથમ દિવસે જ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ આ વખતના સત્રમાં પોતાના મૂડનો પરિચય કરાવી દીધો હતો. વિધાનસભા ગૃહમાં નવા અધ્યક્ષપદની સર્વાનુમતે નિયુકિત બાદ રાજયપાલ ઓ.પી.કોહલી તેમનું વિશેષ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. ધાનાણી સહિતના કોંગી ધારાસભ્યો રાજયપાલના પ્રવચન દરમ્યાન જ વેલમાં ધસી આવ્યા હતા અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામાની ઉગ્ર માંગણી કરી હતી, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પાણી વગરના રૂપાણી રાજીનામું આપો, દલિતોને ન્યાય આપો, ખેડૂતોને નર્મદાનું પાણી આપો સહિતના જોરદાર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોના શોરબકોર અને હોબાળાના કારણે કોઇ કાર્યવાહી થઇ શકે તેમ ન હતી અને કોંગ્રેસના જોરદાર વિરોધના કારણે છેવટે અડધાથી પોણા કલાક સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળાના કારણે રાજયપાલને તેમનું પ્રવચન પાંચ મિનિટમાં જ આટોપી લેવાની ફરજ પડી હતી. બાદમાં રાજયપાલ પરત ફરી રહ્યા હતા એ વખતે કોંગ્રસના ધારાસભ્યો એમ.પી.શાહ કમીશનનો અહેવાલ ગૃહમાં મૂકવાની માંગણી કરતા તેમના તરફ ધસી ગયા હતા ત્યારે ત્યાં હાજર સાર્જન્ટ્સે તેમને અટકાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની વાત થાય છે પરંતુ એમ.પી.શાહ કમીશનનો અહેવાલ ગૃહમાં કેમ રજૂ થતો નથી. ખેડૂતોને ટેકાના પૂરતા ભાવ મળતા નથી. નર્મદાનું સિંચાઇનું પાણી પણ ખેડૂતોને મળ્યું નથી તો વિકાસ કયાં છે? એમ કહી કોંગ્રેસના અન્ય સભ્યોએ પણ બળાપો ઠાલવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પહેલા જ દિવસે ભાજપને સમગ્ર સત્ર દરમ્યાન ઘેરવાની પોતાની રણનીતિનો પરચો આપી દીધો હતો. દરમ્યાન આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે ત્રણ વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે નવા ગૃહ સંકુલના રિનોવેશન બાદ સૌપ્રથમવાર ગૃહની કાર્યવાહી શરૂ થઇ રહી હોઇ સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં ખાસ હવન-યજ્ઞ કરવામાં આવ્યો હતો અને શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી.

(7:32 pm IST)