Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વીમાના રૂપિયા માટે પતિએ જ પત્નીની હત્યા કરાવી હતી

મહિલાની હિટ એન્ડ રનની ઘટનાનું રહસ્ય ખુલ્યું : પતિએ અકસ્માતે મોત થયાનું જણાવ્યું હતું પરંતુ મહિલાના પિતાની ફરિયાદ બાદ તપાસમાં પતિનો ભાંડો ફૂટી ગયો3

સુરત, તા. ૨૦ : પતિ સાથે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીના હિટ એન્ડ રનના કેસમાં રહસ્યમય રીતે થયેલા મોતનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ મામલે યુવતીના પતિની જ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે યુવતીના પતિએ હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે યુવતીના પિતાએ આક્ષેપ કર્યા હતા કે તેમની દીકરીની વીમાના રુપિયા મેળવવા માટે આયોજનબદ્ધ રીતે હત્યા કરાવવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક શાલિની યાદવ અને અનુજ યાદવ વચ્ચે આજથી દોઢેક વર્ષ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેની તેણે પોતાના પિતાને વાત કરતાં શાલિનીના પરિવારજનોએ અનુજને યુપી બોલાવીને ફટકાર્યો હતો. તે વખતે અનુજના મામાએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ પણ શાલિની અને અનુજ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં રહેતા હતા. આ દરમિયાન શાલિની પોતાના પિયરિયાએ તેની શું હાલત કરી હતી તે વારંવાર યાદ અપાવતી રહેતી હતી.

આખરે અનુજે શાલિનીનો કાંટો જ કાઢી દેવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેણે મૂળ યુપીના અને સુરતમાં રહેતા મોહંમદ નઈમ ઉર્ફે પપ્પુની મદદ લીધી હતી. પ્લાન અનુસાર, અનુજે શાલિની સાથે વહેલી સવારે વોક પર જવાનું શરુ કર્યું હતું, અને નઈમને પણ શાલિનીની તમામ ગતિવિધિની માહિતી આપી હતી. આખરે ૦૮ જાન્યુઆરીએ શાલિનીની હત્યા કરવાનું ફાઈનલ થયું હતું. જેના માટે નઈમ રેતી ખાલી કરવાની છે તેવું બહાનું બતાવી એક જગ્યાએથી ટ્રક લઈ આવ્યો હતો.

પ્લાન અનુસાર નઈમ કુંભારિયાથી કડોદરા જતાં મેઈન હાઈવેના સર્વિસ રોડ પર ટ્રક લઈને આવી ગયો હતો, અને તેમાંથી ઉતરીને છૂપાઈ ગયો હતો. થોડીવાર બાદ શાલિની અને તેનો પતિ આ જ રસ્તા પર આવ્યાં હતાં. તેઓ ટ્રકની થોડી આગળ નીકળ્યા હતા અને તે વખતે અનુજ અને નઈમે મળીને શાલિનીનું ગળું દબાવી તેને અર્ધબેભાન જેવી કરી દીધી હતી. ત્યારબાદ નઈમે ટ્રક ડ્રાઈવરને ટ્રક ચલાવવાનું કહ્યું હતું, અને અનુજે શાલિનીને ટ્રક નીચે નાખી દીધી હતી. પોલીસે હાલ આ બંનેની ધરપકડ કરીને તેમની પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ૮ જાન્યુઆરીના રોજ શાલિની યાદવ પોતાના પતિ અનુજ સાથે મોર્નિંગ વોક પર નીકળી હતી. પુણા-કુંભારિયા રોડ પર પતિ-પત્ની વોક કરી રહ્યાં હતાં તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે તેને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી શાલિની મોતને ભેટી હતી. તેના પતિ અનુજે દાવો કર્યો હતો કે અકસ્માત થયો ત્યારે તે પત્નીથી દસેક ફુટ આગળ ચાલી રહ્યો હતો.તેણે જે ગાડીએ શાલિનીને ટક્કર મારી તેની પણ પોતાને કોઈમાહિતી ના હોવાનું પોલીસને કહ્યું હતું.

પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નાખીને તપાસ શરુ કરી હતી. જોકે, આ દરમિયાન શાલિનીના પિતા ધનીરામે એવા આક્ષેપ કર્યા હતા કે શાલિનીનું મોત કોઈ અકસ્માતમાં નથી થયું, પરંતુ આયોજનબદ્ધ રીતે તેનું મર્ડર કરાવવામાં આવ્યું છે.

શાલિનીના પિતાએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સવારના ૪.૪૫ વાગ્યા હતા અને તે સમયે રસ્તા પર ટ્રાફિક જ નહોતો તેવામાં આવો અકસ્માત થવાના ચાન્સ નહીંવત છે. વળી, ૮ જાન્યુઆરીએ અનુજ અને તેના પરિવારજનો રાતે બે વાગ્યા સુધી જાગતા હતા અને તેઓ યોગી ચોક વિસ્તારમાં હતાં. જો અનુજ આટલું મોડા સુધી જાગ્યો હોય તો તે વહેલી સવારે મોર્નિંગ વોક માટે ઉઠી કઈ રીતે ગયો?

મૃતક શાલિની મૂળ યુપીની છે. તેના પતિનો પરિવાર પણ યુપીનો જ છે, અને તે સુરતમાં આવીને સ્થાયી થયો હતો. શાલિનીના પિતા ધનીરામે તેના પતિ અનુજ પર સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે તેણે જ શાલિનીની હત્યા કરાવી છે, અને આ કાવતરામાં તેની બહેન નીરુ અને સંબંધીઓ ગોપાલ યાદવ તેમજ ગંગારામ યાદવ પણ તેમાં સામેલ છે. શાલિનીનો થોડા સમય પહેલા જ ૬૩ લાખ રુપિયાનો લાઈફ ઈન્શ્યોરન્સ લેવામાં આવ્યો હતો, અને તેની રકમ મેળવવા માટે જ તેની હત્યા કરાઈ છે.

(7:33 pm IST)