Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કચ્છમાં ધોરડો ખાતે 21થી 23 જાન્યુઆરી 2021 દરમિયાન 'ચિંતન બેઠક' યોજાશે

પ્રધાનમંત્રીની 'આત્મનિર્ભર ભારત'ની દૂરંદેશીતા પૂર્ણ કરવા માટે ભારતના સમુદ્ર ક્ષેત્ર સંબંધિત આગામી દાયકાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે ચિંતન બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે: મનસુખ માંડવિયા

ગુજરાતમાં કચ્છના ધોરડો ખાતે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ત્રિ-દિવસીય 'ચિંતન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે.21થી 23 જાન્યુઆરી 2021 દરમિયાન યોજનારી આ બેઠકમાં ભારતના તમામ મુખ્ય બંદરોના ચેરપર્સન અને મંત્રલાયના વરિષ્ઠ અધિકારીઓ આવશે અને મેરિટાઇમ વિઝન -2030 માટે આગામી રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટેની સઘન ચર્ચા પરિષદમાં ભાગ લેશે.

આ ચિંતન બેઠકમાં શહેરી પરિવહનના નવા માર્ગોનું અન્વેષણ, SAROD-બંદરોનો અસરકારક અમલ, આંતરરાષ્ટ્રીય લવાદ વગેરે સંબંધિત સત્રો સમાવી લેવામાં આવ્યા છે. તમામ મુખ્ય બંદરો દ્વારા સેટેલાઇટ પોર્ટ્સ (એકલ બંદરો)ના વિકાસની ભાવિ યોજના અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવશે. રો-રો અને રો-પેક્સ ફેરી તેમજ સી-પ્લેન સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં શરૂ કરવા માટે નવા રૂટ ખોલવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને જથ્થામાં વધારો કરવા માટે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માલની હેરફેરમાં વધારો કરવા માટેના માર્ગો અને રીતો પર ચર્ચા પણ આ ચિંતન બેઠકનો હિસ્સો રહેશે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગો મંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠકનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ આપણા બંદરોની કામગીરી અને કાર્યદક્ષતામાં સુધારો કરવા માટે નવતર વિચારો બહાર લાવવાનો અને માલસામાનની હેરફેરમાં ઘટાડો કરવા, કનેક્ટિવિટી વધારવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે આંતરરાષ્ટ્રીય આધારચિહ્નો અપનાવીને બંદરો પર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવા પર ધ્યાન આપવાનો છે. શ્રી મનસુખ માંડવિયાએ ઉમેર્યું હતું કે, ચિંતન બેઠક દરમિયાન સઘન ચર્ચાના સારરૂપે બહાર આવતા તમામ નવતર વિચારો પ્રધાનમંત્રી મોદીના ચાવીરૂપ મંત્ર 'રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ' (સુધારો, કામગીરી અને પરિવર્તન) સાથે 'આત્મનિર્ભર ભારત'ની તેમની દૂરંદેશીતાને પૂર્ણ કરવા માટે મેરિટાઇમ વિઝન 2030ને અનુરૂપ રહેશે.

(7:18 pm IST)