Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્‍તારોમાં સેવાકાર્યોમાં 44 વર્ષથી વ્‍યસ્‍ત દંપત્તિઃ સર્વાંગી ગ્રામ વિકાસ મંડળની સ્‍થાપના કરી

રાજપીપળા: કામને મોઢું અને પૈસાને જો પીઠ બતાવશો, તો જીવનમાં કોઈ દિવસ પાછા નહીં પડો, મારુ કામ પૈસા વગર અત્યાર સુધી અટક્યું નથી. આ શબ્દો છે છેલ્લા 44 વર્ષોથી નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદોની સેવા કરતા અને અન્ય સેવાકીય કાર્યમાં આગળ રહેતા 81 વર્ષના યુવાન મહેન્દ્રભાઈ ભટ્ટના (અહીંયા યુવાન તરીકે સંબોધન એટલે કર્યું કે, એમની સ્ફૂર્તિ 18 વર્ષના યુવાનને પણ શરમાવે એવી છે).

તેઓ લગ્ન થયા 7 વર્ષ બાદ પોતાની 7 વર્ષની પુત્રી અને એમની પત્ની ભારતીબેનને લઈ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવી અને નાંદોદ તાલુકાના માંગરોલ ગામમાં વસવાટ કર્યો. નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકોને શિક્ષિત કરવાનું અને ગામડાઓને પગભર કરવાનું બીડું ઝડપ્યુ. તેઓ પોતાની પત્ની સાથે છેલ્લા 44 વર્ષોથી સર્વાગી ગ્રામ વિકાસ મંડળની સ્થાપના કરી સેવાકીય કાર્ય કરી રહ્યા છે.

ભાવનગરમાં 2/09/1940 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની આત્મારામ ભટ્ટ અને દુર્ગાલક્ષ્મી ભટ્ટના ઘરે મહેન્દ્રભાઈ ભટ્ટનો જન્મ થયો. એમના મોટા ભાઈ પણ સ્વાતંત્ર્ય સેનાની, જે જેલમાંથી સ્કૂલે ભણવા જતા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે, એમના પરિવારના કોઈ પણ સભ્યએ સરકાર પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીનું પ્રમાણપત્ર, તામ્રપત્ર કે પેન્શન અત્યાર સુધી લીધું જ નથી. એમના પરિવારે મોટા ભાગની જમીન વિનોબા ભાવેને ભુદાનમાં આપી દીધી.

મહેન્દ્રભાઈ ભટ્ટના લગ્ન 1970માં મુંબઈના ભારતીબેન સાથે થયા. એ બન્નેનો પરિચય પણ આવા અનેક સેવાકીય કાર્ય દરમિયાન થયો હતો. મહેન્દ્રભાઈ ભટ્ટ પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને GEBમાં DE તરીકેની નોકરી કરતા હતા. જ્યારે પત્ની ભારતીબેને માઈક્રોબાયોલોજીમાં સ્નાતક ડિગ્રી હાંસલ કરી હતી. તેઓ એક્યુ થેરાપિસ્ટ તરીકે નોકરી કરતા. પતિ-પત્ની જે-તે સમયે હજારો રૂપિયાની નોકરી છોડી 1977માં પોતાની 7 મહિનાની બાળકીને લઈ નર્મદા જિલ્લાના માંગરોલમાં આવીને વસવાટ કર્યો.

શરૂઆતના દિવસો યાદ કરતા મહેન્દ્રભાઈ અને ભારતીબેને જણાવ્યું કે, અમારે રહેવું ક્યાં? એ મોટો પ્રશ્ન. અમને માંગરોલના મંગલેશ્વર મહાદેવ મંદિરની 10 બાય 10ની એક ઓરડીમાં જગ્યા મળી. હવે અમારા અન્ય સેવાભાવી મિત્રો પણ ત્યાં રહેવા આવ્યા, એટલે 15 દિવસ અમે અંદર રહીએ તો 15 દિવસ એ લોકો. અમારો જ્યારે બહાર રહેવાનો વારો આવે, ત્યારે અમારી સાથે અમારી 7 મહિનાની બાળકી હોય. સમય જતાં એ પણ અમારી સાથે ટેવાઈ ગઈ.

અમુક સમય જમવાનું મળે ન મળે કંઈ નક્કી નહીં, પરંતુ કપરા દિવસો પસાર થયા અને અમે અમારા મકસદમાં સફળ થયા. આજે આસપાસના 70થી વધુ ગામો અને ગામના લોકો પગભર થયા છે. મહેન્દ્રભાઈ ભટ્ટ 7 થી 8 વર્ષ વિનોબા ભાવેના વિચારો એવા ગ્રામદાન અને શાંતિ સેનાની વાતોનો ફેલાવો કરવા ગુજરાતના વિવિધ ગામડાઓમાં ફર્યા અને લોકોને પ્રેમ પૂર્વક સાદુ જીવન જીવવાની પ્રેરણા પણ આપી.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે તો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામેગામ શૌચાલયો બનાવવાનું કામ હમણાં શરૂ કર્યું પણ મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેને પોતાની સંસ્થાના માધ્યમથી આજથી 20 વર્ષ પહેલા જ આસપાસના ગામોમાં શૌચાલયો બનાવી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.

ઓર્ગેનિક ખેતીની પ્રેરણા પણ એમના દ્વારા જ લોકોને મળી. નર્મદા જિલ્લામાં જે-તે વખતે એમણે લોકોને સમજણ આપી 500થી વધુ ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવ્યા છે.

મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેનમાં દેશ ભક્તિ ભારોભાર ભરેલી છે. વિદેશી કાપડને તિલાંજલિ આપી મહેન્દ્રભાઈ જન્મથી જ ખાદી પહેરે છે. એમના પત્ની પણ ખાદી જ ધારણ કરે છે .પોતાના માતા-પિતાથી પ્રેરણા લઈ આજના મોડર્ન યુગમાં એમની પુત્રી પણ ખાદી પહેરે છે. તેઓ પોતાના કપડા પણ જાતે જ સીવે છે, તેઓ સેવાકીય કર્યો કરવા માટે વિદેશી ફંડ બિલકુલ સ્વીકારતા નથી, ત્યારે એ પ્રશ્ન અવશ્ય ઉપસ્થિત થાય કે, પોતાની જુવાનીના દિવસો સેવામાં હોમી દેનાર પતિ-પત્ની મહેન્દ્રભાઈ ભટ્ટ-ભારતીબેન સરકારના વિશેષ સન્માનના હકદાર છે ખરા?

(5:30 pm IST)