Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ : AIMIMએ સાબિર કાબલીવાલાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા

જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલને પાર્ટીના પ્રદેશ પ્રમુખ : BTP-AIMIM ગઠબંધન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે

અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે, ત્યારે જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલને પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.

AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલે અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર શાબિર કાબલીવાલા સહિત કેટલાક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

AIMIM સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદની મુલાકાતે આવેલા પાર્ટીના પ્રતિનિધિઓ કેટલાક બુદ્ધિજીવી, રાજનેતાઓ અને લોકો સાથે મુલાકાત કરી હતી અને ક્યાં ક્યાં વિસ્તારમાં ચૂંટણી લડી શકાય તેના પર ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા AIMIMના વારીસ પઠાણે સુરત શહેરની મુલાકાત લીધી હતી.

અગાઉ વારીસ પઠાણ દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિર્દેશ પર તેઓ ગુજરાત આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગળ પાર્ટીની શું રણનીતિ રહેશે એ અંગે હાલ કઈ જણાવવામાં આવ્યું નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટુ વસાવાની BTP-ઓવેસીની AIMIM પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ બેઠકો પરથી લડવાની જાહેરાત કરી છે

(8:53 pm IST)