Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

શહેરના ૨૬ મલ્ટિપ્લેક્સમાં પદ્માવત રજૂ ન કરવા નિર્ણય

મલ્ટિપ્લેક્સ એસોસીએશનનો વિવાદ ખાળવા નિર્ણય : ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે ચર્ચાસ્પદ ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવાયો : ફિલ્મની રજૂઆત પર સંકટ

અમદાવાદ,તા. ૨૦ :     પદ્માવત ફિલ્મના રિલીઝ અંગેના સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ખાસ કરીને રાજપૂત સમાજમાં સુપ્રીમકોર્ટના આ ચુકાદાને લઇ અને ફિલ્મની રિલીઝને મળેલી લીલીઝંડીને લઇ ચોતરફ વિરોધનો વંટોળ ફુંકાયો છે. ગુજરાતમાં પણ રાજપૂત સમાજ દ્વારા છૂટાછવાયા બનાવો મારફતે ઉગ્ર વિરોધ અને રોષ વ્યકત કરાઇ રહ્યો છે. ગાંધીનગરમાં આજે એસટી નિગમની બે બસોને આગ ચાંપવામાં આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. રાજપૂત સમાજના આ આક્રોશને જોતાં સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ પણ અમદાવાદ શહેરના ૨૬ મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં પદ્માવત ફિલ્મ રજૂ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મલ્ટિપ્લેક્સ એસોસીએશનની મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના ચાર જિલ્લાઓમાં આ ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે.    બીજીબાજુ, પદ્માવત ફિલ્મની રિલીઝને લઇ ગુજરાત સરકાર મંૂઝવણભરી અને અવઢવભરી પરિસ્થિતિમાં મૂકાઇ છે. સુપ્રીમકોર્ટે લીલીઝંડી આપી દીધી હોઇ હવે આ સમગ્ર મામલામાં આગળ શું કરી શકાય અને રાજપૂત સમાજના આક્રોશને ખાળવા કઇ રણનીતિ અખત્યાર કરી શકાય તે સહિતના મુદ્દે રાજય સરકાર દ્વારા દિગ્ગજ કાયદાકીય નિષ્ણાતોની મદદ અને અભિપ્રાય લેવાઇ રહ્યા છે. તો બીજીબાજુ રાજપૂત સમાજ અને કરણી સેનાના સેંકડો કાર્યકરો દ્વારા તા.૨૨મીએ આ મામલાના વિરોધમાં ગાંધીનગર કમલમ્ ખાતે ભાજપનો ઘેરાવો કરવાની તજવીજ હાથ ધરાઇ રહી છે ત્યારે પદ્માવત ફિલ્મને લઇ ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ગરમાયું છે. ગુજરાતના જે ચાર જિલ્લાઓમાં પદ્માવત ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે, તેમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ભાવનગરનો સમાવેશ થાય છે. તો અમદાવાદના ૨૬ મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં આ ફિલ્મ નહી બતાવવા મલ્ટિપ્લેક્સ એસોસીએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો. દરમ્યાન રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફરીએકવાર રાજપૂત સમાજ અને કરણી સેનાના કાર્યકરોને શાંતિ જાળવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરાઇ રહ્યો છે અને જાણીતા કાયદાવિદ્દો અને કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય મેળવાઇ રહ્યો છે, તેમના અભિપ્રાય બાદ આગળનો નિર્ણય લેવાશે. નાગરિકો ઘાયલ થયા છે.

વિરોધની સાથે સાથે

*     પદ્માવત ફિલ્મને લઇને વિરોધ પ્રદર્શનનો દોર જારી

*     કરણી સેના અને અન્ય સંગઠનોના વિરોધના કારણે થિયેટરના માલિકો અને મલ્ટીપ્લેક્સના માલિકો સુરક્ષાને લઇને ચિંતાતુર  દેખાઇ રહ્યા છે

*     ગુજરાતમાં પણ રાજપૂત સમાજ દ્વારા છૂટાછવાયા બનાવો મારફતે ઉગ્ર વિરોધ અને રોષ વ્યકત કરાઇ રહ્યો છે

*     ગાંધીનગરમાં આજે એસટી નિગમની બે બસોને આગ ચાંપવામાં આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું

*    અમદાવાદ મલ્ટિપ્લેક્સ એસોસીએશનની મળેલી બેઠકમાં ફિલ્મ ન દર્શાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો

*     પદ્માવત ફિલ્મની રિલીઝને લઇ ગુજરાત સરકાર મંૂઝવણભરી અને અવઢવભરી પરિસ્થિતિમાં મૂકાઇ છે

*     રાજપૂત સમાજ અને કરણી સેનાના સેંકડો કાર્યકરો દ્વારા ૨૨મી જાન્યુઆરીના દિવસે આ મામલાના વિરોધમાં ગાંધીનગર કમલમ્ ખાતે ભાજપનો ઘેરાવો કરવાની તજવીજ હાથ ધરાઇ રહી છે

(8:02 pm IST)