Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

હવે અદાણી જૂથે પણ ન્યુઝ પોર્ટલ ધ વાયર અને તેના પત્રકારો વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો

કંપનીની છબી ખરડાય તેવા હેતુથી બદનક્ષી કરતા અહેવાલો છાપવાનો લાગવ્યો આરોપ

અમદાવાદઃ હવે અદાણી જૂથે પણ ન્યુઝ પોર્ટલ ધ વાયર અને તેના પત્રકારો વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો છે ન્યુઝ પોર્ટલ ધ વાયર અને તેના પત્રકારો વિરુદ્ધ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને તેના પુત્ર જય શાહે બદનક્ષીનો દાવો નોંધાવ્યા બાદ હવે અદાણી જૂથે પણ ગુનાહિત ઇરાદા સાથે કરવામાં આવેલ બદનક્ષીનો દાવો મેજિસ્ટેરિઅલ કોર્ટમાં નોંધાવ્યો છે.

    જાણવા મળતી વિગતો મુજબ અદાણી પેટ્રોનેટ(દહેજ) પોર્ટ પ્રા. લિ. દ્વારા ધ વાયર અને તેના 6 પત્રકારો વિરુદ્ધ ઇરાદા પૂર્વક કંપનીની છબી ખરાડાય તેવા હેતું સાથે ખોટી રીતે બદનક્ષી કરતા અહેવાલો પોતાની ન્યૂઝ વેબસાઇટ પર છાપવા માટે આરોપ લગાવ્યો છે.

   અદાણી જૂથ તરફથી કરવામાં આવેલ ફરિયાદમાં એવું  કહેવામાં આવ્યું છે કે આ ન્યુઝ સંસ્થાન દ્વારા ઈરાદા પૂર્વક કંપનીની છબી ખરડાય અને કંપનીના રોકાણકાર તથા નાણાંકીય સંસ્થાઓ વચ્ચે ગેરસમજણ ઉભી થાય તેવા પ્રકારના ખોટા આર્ટિકલ્સને છાપવામાં આવ્યા છે. જેમાં IOC અને GAIL જેવી PSU કંપનીઓ દ્વારા અદાણી LNG ટર્મિનલમાં રોકાણને લઈને પ્રશ્નો ઉઠાવવામા આવ્યા હતા.

   ફરિયાદીનું કહેવું છે કે, ‘જે રીતે આર્ટિકલમાં દર્શાવાયું છે કે આ સરકારી જાહેર સાહસો દ્વારા અદાણી દ્વારા ચલાવતા ટર્મિનલ્સમાં રોકાણ કરવામાં આવ્યું છે. જોકે આમાંથી કોઈપણ ટર્મિનલ કંપની દ્વારા માલિકી કે પછી ઓપરેટ કરાતા કે મેનેજ કરવામાં આવતા નથી.’

    આ ઉપરાંત અદાણી જૂથ દ્વારા બીજા પણ અનેક વાક્યોને બદનક્ષી સમાન ગણાવીને કોર્ટમાં કરાયેલ ફરિયાદમાં જણાવાયા છે. જે બાદ કોર્ટે કહ્યું હતું કે આગામી સપ્તાહમાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરશે.

(3:06 pm IST)