Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોનાના વધતા કેસ અને ફફડાટ વચ્ચે

કાલથી શાળાના સ્ટાફ અને ૨૩મીથી ધો. ૯ થી ૧૨નું દિવાળી વેકેશન પૂર્ણ

શાળાના કર્મચારીઓ દ્વારા નવી કોરોનાની ગાઇડલાઇન અને વ્યવસ્થાને આખરીઓપ : ૨૩મીથી ધો. ૯ થી ૧૨માં ઓડ-ઇવનથી શાળા શરૂ થશે : કોરોનાની સ્થિતિથી હજુ વાલી અને સ્ટાફમાં ચિંતાની લાગણી

રાજકોટ તા. ૧૯ : કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે. દરરોજ ચોંકાવનારા કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ - રાજકોટ અને સુરતમાં કોવીડ-૧૯ના કેસમાં પહેલા કરતા વધારો થયો છે ત્યારે છેલ્લા ૭ માસથી બંધ શાળા - કોલેજો ખુલવાની હિલચાલ શરૂ થઇ છે.

કોરોનાકાળમાં ૭ મહિનાઓ બાદ ગુજરાતમાં ૨૩મી નવેમ્બરથી શાળા-કોલેજ ખુલવા જઇ રહી છે. દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈન સાથે શરૂ થશે. રાજયમાં ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે.

કોરોનાકાળમાં શાળા-કોલેજ શરૂ કરવા સરકાર અડગ છે. રાજયમા શાળા ખોલવા અંગે શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, શાળાના તમામ સ્ટાફને કોવિડના નિયમોનું પાલન કરવુ પડશે. વિદ્યાર્થીઓએ માસ્ફ ફરજિયાત પહેરવુ પડશે. વાલીઓની લેખિતમાં મંજુરી લેવી પડશે. કલાસ રૂમમાં બેંચ વચ્ચે તફાવત રાખવો પડશે. વાલીઓની લેખિત પરમિશન સાથે વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં પ્રવેશ અપાશે.  સોમ-બુધ અને શુક્ર ધો ૧૦ અને ૧૨ વિધાર્થીઓ માટે રહેશે. મંગળ-ગૂરૂ અને શનિ ધો ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે રહેશે. ૨૩ નવેમ્બરથી વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે અને આવતીકાલથી શાળા સ્ટાફનુ વેકેશન પૂર્ણ થશે.

જે વિદ્યાર્થી કલાસમાં ના જોડાય તેમના માટે ઓનલાઇન કલાસ ફરજિયાત ચલાવવાના રહેશે અને વિદ્યાર્થીએ ઓનલાઇન કલાસમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે. કોઇપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલમાં ના પ્રવેશે તેની જવાબદારી સત્તા અધિકારીએ લેવાની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં શાળાઓ નહીં ખુલે. આ વિસ્તારમાંથી વિદ્યાર્થી કે કર્મચારી શાળાએ આવી નહીં શકે. વિદ્યાર્થી અને તમામ સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

રાજયની સ્કુલોમાં આજે ૨૧ દિવસનું વેકેશન હતું તે પૂર્ણ થયું છે. શિક્ષકો માટે ૨૯ ઓકટોબરથી ૧૮ નવેમ્બર સુધી વેકેશન હતુ. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં હાજર થવાનું રહેશે.

શાળા ખુલવાની સાથે જ સ્ટાફ અને વાલીઓમાં થોડી ચિંતા પ્રવર્તે છે. કાળજી રાખીને શિક્ષણ કાર્ય શરૂ કરવા હિલચાલ શરૂ કરી છે.

(3:43 pm IST)