Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

લીંબડી પાસે ટ્રક ઉપરથી પડી જતા માથામાં ગંભીર ઇજાથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાનો યુવક બ્રેઇનડેડ થતા તેના અંગો થકી 3 લોકોને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં 15મું અંગદાનઃ 2 કિડની અને એક લીવરનું દાન મળ્‍યુ

અમદાવાદઃ ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામાં તબીબો સફળ થાય છે. કોરોનાકાળમાં પી.પી.ઇ. કીટમા સજ્જ દેવદૂત સમાન અનેક તબીબોએ કઠોર પરિશ્રમ અને અથાગ પ્રયાસો થકી અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓને નવજીવન બક્ષી આ સાર્થક કરી બતાવ્યું. પરંતુ કોઈ જરૂરિયાતમંદને નવજીવન આપવા તબીબ હોવું જ જરૂરી નથી.!! જી હાં.. બ્રેઈનડેડ જાહેર થયા બાદ મૃત વ્યક્તિ પણ પોતાના અંગોના દાન થકી અન્યોને નવજીવન આપી શકે છે.

અમદાવાદ સિવિલમાં પણ ફરી વખત ખૂબ જ ટૂંકા અંતરાલમાં કંઈક આવું જ બન્યું. અમદાવાદ સિવિલમાં 15 મું અંગદાન થયું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના 23 વર્ષીય યુવાન અજયસિંહ પરમારનું લીમડી નજીક ટ્રક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. 15 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે  સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યા હતા. 17 મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અજયસિંહ પરમારને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અજયસિંહના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપતા તેમના પરિવારજનોએ અજયસિંહ અંગોના દાન થકી જરૂરિયાત મંદોને અમરત્વ પ્રદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી.

આમ અજયભાઈની બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી જેને ટૂંક સમયમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગેની વિગતવાર માહિતી આપતા  સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલની SOTTO ની ટીમ અંગદાન ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં છ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાનમાં મળેલી સફળતા તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતા અને જીવનશૈલીમાં સુધાર લાવી તેમને નવજીવન આપવામાં સફળતા મળી છે.

SOTTO(State Organ And Tissue Transplant Organization)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અંગદાન બાદના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટેના અતિ મહત્વના સમયગાળા વિશે માહિતી આપતા જણાવે છે કે, દર્દી બ્રેઈનડેડ જાહેર થતા તેના હૃદયને 4 થી 6 કલાક, ફેફસાંને 6 થી 8 કલાક, સ્વાદુપિંડ અને લીવરને 8 થી 10 કલાક, કિડનીને 24 કલાક, આંખોને 6 કલાકમાં કાઢીને એક અઠવાડિયામાં અને બંને હાથોને 6 કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવુ જરૂરી બની રહે છે. સમગ્ર પ્રક્રિયાને જરૂરી સમયગાળામાં ત્વરાએ  પૂર્ણ કરવા માટે જ ઘણી વખત ગ્રીન કોરિડોરનો ઉપયોગ કરવામાં આવે છે.

(4:28 pm IST)