Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજ્યમાં આગામી બે દિ'માં વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ,તા.૧૯ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યમાં હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં સતત બે દિવસના ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સાંજે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં મેઘરાજાએ આગમન કર્યું હતું. અમદાવાદ સહિત આજે સાંજે જુનાગઢમાં પણ વરસાદ પડ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગઈકાલે અનેક સ્થળોએ ૪ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે વરસાદ પડી રહ્યો છે. રવિવારે રાત્રે રાજકોટ, મોરબી, બાબરા, ગોંડલમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મોરબી અને ભૂજમાં વીજળી પડતા ૧-૧ વ્યક્તિના મોત થયા હતા. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ૪ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તારીખ ૨૦ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

             ત્યારે આગાહી વચ્ચે ગઈકાલે રાજકોટ, ગોંડલ, મોરબી અને ખંભાળિયા, વલસાડ, જુનાગઢ, ઉપલેટા, વડોદરા, જેતપુર, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બાબરા, માળિયા અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. કેટલાંક શહેરમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઇને લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ થયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે.

(8:50 pm IST)