Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આંતરિક કલહ વચ્ચે અમદાવાદ મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામું

દિનેશ શર્માએ કહ્યું પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યુ હું કોંગ્રેસનો સૈનિક તો છું.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધુ. તેમણે રાજીનામા આપ્યા બાદ જણાવ્યું કે મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યુ છે અને હું કોંગ્રેસનો સૈનિક તો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા પત્ર લખી AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાની માંગ કરાઇ હતી અને અંતે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

જ્યારથી દિનેશ શર્માને AMCના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યું હતુ ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો હતો. બાપુનગરના ધારાસભ્ય હિંમત સિંહ પટેલ અને દિનેશ શર્મા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યુ છે અને હિંમતસિંહનો સાથ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ આપ્યું હતુ.

જ્યારે આ મામલે અગાઉ કોંગ્રેસના સાત ધારાસભ્યોએ રાજીવ સાતવને એક પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા ન જોઇએ. તેના પાછળનું કારણ આપતા તેમણે જણાવ્યું હતુ કે જો આ સમય દરમિયાન તેમને બદલવામાં આવશે તો કોંગ્રેસને ભારે નુક્સાન થઇ શકે છે. અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યોએ દિનેશ શર્માના રાજીનામાની માંગ કરી હતી. પરંતુ આ દરમિયાન પાર્ટીએ તેમની માંગને ફગાવતા પેટાચૂંટણીની તૈયારી માટે જણાવ્યું હતું.

નોંધનીય છે કે કોંગ્રેસના દિવંગત નેતા બદરૂદ્દીન શેખનો કાર્યકાળ ખતમ થયા બાદ દિનેશ શર્માને આ જવાબદારી આપવામાં આવી હતી.

(6:41 pm IST)