Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદ નરોડામાં રહેતા પ૦ હજાર થી વધુ ટેક્ષ ભરતા હોવા છતાં પાયાની સુવિધા નહિ મળતી હોવાની કાંતીલાલભાઇ પરમારની ફરીયાદ સંદર્ભે કોર્પોરેશને અહેવાલ રજુ કર્યો : ૧પ દિવસમાં પુરાવા આપવા માનવ અધિકાર પંચનો હુકમ

અમદાવાદ : અમદાવાદ નરોડામાં રહેતા પ૦ હજારની વધુ લોકો ટેક્ષ ભરતા હોવા છતા પાયાની સુવિધા નહિ મળતી હોવાની કાંતીલાલ ભાઇ પરમારની ફરીયાદના પગલે માનવ અધિકાર પંચના હુકમથી અમદાવાદ મ્યુ. કોર્પોેરેશન અહેવાલ રજૂ કર્યો હતો. જેના સંદર્ભમાં ફરીયાદીને પુરાવા આપવા માનવ  અધિકાર પંચે હુકમ કર્યો છે.

સામાજિક કાર્યકર કાન્તિલાલ પરમારે પંચ (Human Rights Commission) સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે, નરોડા વોર્ડમાં સધી માતાના મંદિરથી સપ્તક ફલેટ, વૈદ રેસીડેન્સી, ગણેશ રેસીડેન્સી વગેરે સોસાયટીઓમાં અનુસૂચિત જાતિના આશરે 50 હજાર કરતાં વધુ લોકો રહે છે. આ સોસાયટીના રોડ પર ગટરો ગંદકીથી ખદબદે છે. રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે અને રોડ ઉપર પાણી કાદવ કીચડ થાય છે. ટેક્ષ ભરતાં હોવા છતાં કોઇ જ પાયાની અને મૂળભૂત અને માળખાકીય જાહેર સુખાકારીની સુવિધા મળતી નથી. આ ફરિયાદના સંદર્ભમાં ગુજરાત રાજય માનવ અધિકાર આયોગએ (Human Rights Commission) કરેલા હુકમના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આયોગ સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં આવેલ સેલ્બી હોસ્પિટલવાળો સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવાની કામગીરી પ્રગતિમાં છે. સરોધીમાતા મંદિર રોડ દહેગામ ત્રણ રસ્તા રોડ પર આવેલ તુલસી રેસીડેન્સી રોડ પર પાણી ભરાવાની સમસ્યાના નિકાલ માટે ડ્રેનેજ પ્રોજ્કેટ ખાતા દ્રારા આ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવા માટેની કામગીરી હાથ ધરી છે. જે હાલ પ્લાનીંગના તબક્કે છે.

સ્ટ્રોમ વોટર નેટવર્કની કામગીરી પૂર્ણ થતાં આખાય વિસ્તારમાં રોડ પર પાણી ભરાવાનો પ્રશ્ન હલ થશે. આ વિસ્તારમાં જ્યારે જ્યારે ગટરો ઊભરાવવાની ફરિયાદો આવે છે ત્યારે ડ્રેનેજ લાઇન ચેમ્બરો, મેનહોલ ડીશલ્ટીંગ કરી સમસ્યા હલ કરવામાં આવે છે. આ વિસ્તારમાં જે રોડ પર ખાડા પડે છે ત્યાં હાલમાં ચોમાસા અન્વયે રોડાપેચ કરાવવામાં આવશે. ચોમાસા બાદ હોટમિક્ષ પ્લાન્ટ ચાલુ થવાથી જરૂર જણાશે ત્યાં ડામર પેચવર્ક કરવામાં આવશે અને જ્યાં નવા રોડ રીસરફેસની જરૂરિયાત જણાશે ત્યાં જરૂરી અંદાજ બનાવી સક્ષમ સત્તાની મંજૂરી મેળવી વોર્ડમાં ઉપલબ્ધ બજેટ અન્વયે રોડ રીસરફેસ કરવામાં આવશે.

વધુમાં એમ પણ જણાવ્યું કે, “પાણીના કનેક્શનની માંગણી જે-જે સોસાયટીઓએ કરી છે. તે તમામ ખાનગી પ્રકારની સોસાયટીઓ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નીતિ નિયમોમાં ખાનગી પ્રકારની સોસાયટીમાં અંદરની બાજુમાં આવેલ ગટર પાણીની મેઇન્ટનન્સની તમામ કામગીરી નિભાવવાની જવાબદારી સ્થાનિક રહીશો વતી ચેરમેન, સેક્રેટરી દ્રારા સ્વ ખર્ચે કરવાની રહે છે. આ સોસાયટીઓના ચેરમેન / સેક્રેટરી દ્રારા કોર્પોરેશનમાં નીતિ નિયમોનુસાર જરૂરી પુરાવા જેવાં કે ભરેલા ટેક્ષની પહોંચ, બી.યુ. પરમીશન, ઇમ્પેક્ટ ફી ભર્યાની નકલ સાથે પાણી કનેકશન મેળવવાની અરજી કરે. પાણી કનેકશન અંગે જરૂરી સક્ષમ સત્તાની મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે. મંજૂરી મળ્યાં બાદ પાણી કનેકશનની સવલત આપવામાં આવશે.

(9:58 pm IST)