Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરતમાં ભારે વરસાદને લઈ કોઝ વે ઓવરફ્લો થવાની તૈયારીમાં : વાહનોની અવર જવર બંધ થવાની શક્યતા

કોઝ વે ખાતેની તાપી નદીની સપાટીમાં 1 મીટર જેટલો વધારો : કાતરગામ અને રાંદેરને જોડતા કોઝ વેની સપાટીમાં પણ સતત વધારો થયો

સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે નદીઓમાં નવા પાણીની આવક પણ જોવા મળી રહી છે. ભારે વરસાદને લઈ કોઝવેના લેવલમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે હાલ કોઝવેની સપાટી 5.92 મીટર પર અને જો 6 મીટર પર પહોચશે તો તે ઓવરફલો થઈ જશે અને વાહનોની અવર જવર બંધ કરવામાં આવી શકે છે.

સુરતમાં આઠ ઈંચ વરસાદ ખાબક્તા શહેરના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. કાતરગામ અને રાંદેરને જોડતા કોઝ વેની સપાટીમાં પણ સતત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી શહેર જિલ્લામાં ધોધમાર વરસાદથી કોઝ વે ખાતે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા એક દિવસમાં કોઝ વે ખાતેની તાપી નદીની સપાટીમાં 1 મીટર જેટલો વધારો થયો છે. જેના પગલે કોઝવે ઓવરફ્લો નજીક પહોંચી ગયો છે. કોઝ વે ઓવરફ્લો થવાની સાથે જ તંત્ર દ્વારા કોઝ વેને વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવી તેવી શક્યતાઓ છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મેઘરાજા વરસવાની સાથે જ ડેમમાં 3500 કયુસેકથી લઇને 16,000 કયુસેક ઇનફલો આવતા સપાટીમાં વધારો થઇને 314.11 ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ ધીમીધારે મેઘરાજા વરસતા પાણીની આવકમાં ધીરેધીરે ધારો થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં લખપુરીમાં 2.5 ઇંચ, ઉકાઇમાં 2 ઇંચ, ટેસ્કા, ચોપડવાવમાં 1.5 ઇંચ, કાકડીઅંબા અને નવાથામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો ઉપરવાસના હથનુર ડેમમાંથી 1700 કયુસેક પાણી છોડાઇ રહ્યું હતું. ગત દિવસોમાં નોંધાયેલા વરસાદથી ઉકાઇ ડેમમાં રવિવારે આખો દિવસ 3500 કયુસેકથી લઇને 16,000 કયુસેક ઇનફલો આવ્યો હતો. અને સપાટીમાં વધારો થઇને 314.11 ફૂટ પહોંચી હતી. ઉકાઇ ડેમનું રૂલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

(8:45 pm IST)