Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ધો.12 સાયન્સના 100 ટકા પરિણામ :પ્રવેશ સમસ્યા નિવારવા કોલેજોના પ્રથમ વર્ષમાં ગ્રાન્ટેડ વર્ગો તથા બેઠકો વધારવા માંગ

છેલ્લાં 20 વર્ષમાં ગ્રાન્ટેડ વર્ગો કે કોલેજમાં કોઇ વધારો થયો નથી : વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપ

અમદાવાદ : ધો.12 સાયન્સના 100 ટકા પરિણામ જાહેર થયું છે. આ પરિણામને લઇને પ્રવેશ સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના રહેલી છે. જેથી વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં કોલેજોમાં પ્રથમ વર્ષ બી.એ., બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ. તથા બી.સી.એ.માં ગ્રાન્ટેડ વર્ગો તથા બેઠકો વધારવા માટે માંગણી કરી છે

વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જયોર્જ ડાયસે જણાવ્યું છે કે, રાજય સરકારે ધો.12 સાયન્સનું પરિણામ 100 ટકા જાહેર કર્યં છે. પરિણામે ઉપલા વર્ગોમાં વિદ્યાર્થીઓને સરકારી ગ્રાન્ટેડ કોલેજમાં ઊંચી ફી ભરીને પ્રવેશ મેળવવો પડે તેવી વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે છેલ્લાં 20 વર્ષમાં ગ્રાન્ટેડ વર્ગો કે કોલેજમાં કોઇ વધારો થયો નથી. 100 પરિણામના કારણે તમામને પ્રવેશ આપવો હોય તો સરકારે ગ્રાન્ટેડ વર્ગો અને બેઠકોની સંખ્યા વધારવી જોઇએ.

વધુમાં જણાવ્યું છે કે, કોરોનાના કપરા કાળમાં ધંધો/ રોજગાર ગુમાવી બેઠેલા ગરીબ-મધ્યમ વર્ગ, શ્રમિકો, નોકરીયાત વર્ગ આ તમામને ખૂબ જ ભારે વેઠવું પડયું છે. ઓનલાઇન શિક્ષણનો ભાર વધ્યો છે. હજુ પણ કોરોના ગયો નથી ત્યારે કોલેજોમાં પ્રથમ વર્ષ બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., બી.સી.એ.માં ગ્રાન્ટેડ વર્ગોની સંખ્યા વધારે તો ગરીબ, મધ્યમ અને શ્રમિક વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ઊંચી ફીના કારણે ઉચ્ચશિક્ષણથી વંચિત બનતાં અને તેમનું ઉજ્જવળ ભાવિ અંધકારમય બનતાં અટકાવી શકાય તે માટે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ વર્ગો શરૂ કરવા તેમ જ ગ્રાન્ટેડ વર્ગોની બેઠકો વધારવા ગુજરાતના મુખ્યમંત્રી સહિત શિક્ષણમંત્રી તથા ઉચ્ચશિક્ષણ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

(8:37 pm IST)