Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદ મનપાની ત્રણ હોસ્પિટલમાં ઓક્સિજનની ક્ષમતા વધારવા નિર્ણય

ત્રણ હોસ્પિટલમાં 250 વધારાના વેન્ટિલેટર ઇન્સ્ટોલ થશે :

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં કોરોનાની સંભવિત થર્ડ વેવની તૈયારી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી હોસ્પિટલ કમિટીની બેઠકમાં AMCની ત્રણ હોસ્પિટલમાં ઓક્સિજન ક્ષમતા વધારવાનો નિર્ણય કરાયો છે. આ અંગે તૈયારી શરૂ કરી દેવાઈ છે. SVP હોસ્પિટલમાં વધુ 20,000 લીટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ લાગશે. LG હોસ્પિટલમાં 6,000 લીટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ અને શારદાબહેન હોસ્પિટલમાં 5,000ની ક્ષમતાનો પ્લાન્ટ લગાડવા વિચારણા કરાઈ છે. આ સાથે આ ત્રણ હોસ્પિટલમાં 250 વધારાના વેન્ટિલેટર ઇન્સ્ટોલ કરાઈ રહ્યા છે

અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર વખતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ઉપર માછલાં ધોવાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ ઓક્સિજન બેડ વિના તરફડીને મોતને ભેટ્યા હતા. ચોતરફ હાહાકાર થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલ આગળ કોરોનાના દર્દીઓને લઇ ઉભેલી એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. આ તમામ દ્રશ્યોએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની તૈયારીઓની પોલ ખોલી નાખી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની બીજી વેવ વખતે થયેલી ભૂલોથી સબક શીખી હોય તેમ લાગે છે. આ વખતે વર્ષના અંત સુધી કોરોનાની ત્રીજી લહેર આવે તેવી દહેશત છે. અમદાવાદ મ્યુનિ.એ હોસ્પિટલમાં ઓક્સિજન ક્ષમતા વધારવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં 20,000ની કેપેસિટીની ઓક્સિજન ક્ષમતાનો પ્લાન્ટ છે હવે વધુ 20,000 ક્ષમતાની ટાંકી લગાડવામાં આવી છે.

અહીં ક્ષમતા વધી 40,000 લીટરની થઈ જશે. એલ.જી હોસ્પિટલમાં 6,000ની ઓક્સિજન ક્ષમતાનો પ્લાન્ટ છે, 1000ની વધુ કેપેસિટી વધારી છે જ્યારે વધુ 6,000ની ક્ષમતા વધારવાની વિચારણા છે. આ હોસ્પિટલની ઓક્સિજન ક્ષમતા 13,000 લીટર થઈ જશે. શારદાબહેન હોસ્પિટલમાં 5,000થી 6,000 લિટરનો પ્લાન્ટ લગાડવાની વિચારણા છે પણ જગ્યાની ઉપલબ્ધતા પ્રમાણે નક્કી કરાશે.

AMC વધુ 250 વેન્ટિલેટર ઇન્સ્ટોલ કરશે

હોસ્પિટલ                         વેન્ટિલેટર

SVP હોસ્પિટલ                       138
LG હોસ્પિટલ                           55
શારદાબહેન હોસ્પિટલ             17
V S હોસ્પિટલ                           40

(7:05 pm IST)