Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વલસાડમાં ભારે વરસાદને કારણે વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ : દમણ ગંગા નદીમાં પાણીના નવા નીર આવતા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમના સાત દરવાજા ખોલાયા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઓરંગા નદી બે કાંઠે વહેતી થતા અબ્રામ વીયર ઓવરફ્લો

વલસાડ: વલસાડમાં ભારે વરસાદને કારણે દમણગંગા નદી ગાંડીતૂર બની છે. વલસાડ જિલ્લામાં રવિવાર બાદ સોમવારે પણ ભારે વરસાદને કારણે વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દમણ ગંગા નદીમાં પાણીના નવા નીર આવતા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દમણ ગંગા પર આવેલા મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર જેવી સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

દમણ ગંગા નદીમાં નવા નીર જોવા માટે લોકો નદી કિનારા નજીક ના જાય તે માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ પહેરો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ નદી કિનારાના ગામોને કાંઠાથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઓરંગા નદી બે કાંઠે વહેતી થતા અબ્રામ વીયર ઓવરફ્લો થયો છે. વલસાડ જિલ્લામાં સોમવારે માત્ર બે કલાકમાં જ 2.65 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે સીલધા ગામ નજીકથી પસાર થતી ચવાચે નદીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યુ હતું, જેને કારણે નદી પર આવેલા કોઝ વે પર પાણી ફરી વળ્યું હતું.

(4:35 pm IST)