Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદના આંબલી વિસ્‍તારમાં કોરોના ડેલ્‍ટા વેરિયન્‍ટના 7 કેસ નોંધાયાનો મેસેજ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં દોડધામઃ કોર્પોરેટર સમીર પટેલના નામનો દુરઉપયોગ કરીને મેસેજ વાયરલ કરાયો

અમદાવાદ: કોરોના મહામારીની બીજી લહેરે દેશને અનેક ઝટકા આપ્યા છે. આ લહેરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો છે. જેણે દેશમાં કહેર મચાવી દીધો હતો. ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસ સૌથી ઘાતક છે અને જલદી તેના પર કાબુ નહીં કરવામાં આવે તો તબાહી મચાવી શકે છે.

ત્યારે અમદાવાદના આંબલી વિસ્તારમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના 7 કેસ નોંધાયા હોવાનો મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મેસેજને લઇને થલતેજના કોર્પોરેટર સમીર પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારા નામનો દુરઉપયોગ કરી મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. આ મારા રાજકીય વિરોધીઓનો પ્રયાસ છે. આ મામલે મેં મારી પાર્ટીમાં પણ વાત કરી છે, હું આગળ કોઇ પગલાં લેવા માંગતો નથી એમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનાં આંબલી વિસ્તારમાં કોરોનાનાં નવા ડેલ્ટા વેરિયન્ટનાં સાત કેસ નોંધાયા છે તેથી ટોળા એકઠા નહીં કરવા અને ભીડભાડવાળી જગ્યાઓએ નહીં જવા વિનંતી કરવામાં આવે છે તેવા મેસેજ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા અને તેમાં ગુજરાતી ભાષાનાં મેસેજમાં થલતેજનાં કોર્પોરેટર સમીરભાઇ પટેલનુ નામ પણ જોવા મળ્યુ હતું.

એક દિવસમાં 38 હજારથી વધુ કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 38,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,11,44,229 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,21,665 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,660 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે.  આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,03,08,456 થઈ છે.

24 કલાકમાં 499 લોકોના કોરોનાથી મોત

સરકારી આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 499 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ  સાથે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુની સંખ્યા 4,14,108 થઈ છે. કોરોના સામેની લડતમાં રસી એક મહત્વનું હથિયાર છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 40,64,81,493 રસીના ડોઝ અપાયા છે.

(4:20 pm IST)