Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

લોકો ઓકિસજનની લાઇનો ભૂલી ગયા? વીકેન્ડમાં ગુજરાતીઓ મન મૂકીને ફર્યા

લોકો સાપુતારા, ગીર સાસણ, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી,પાવાગઢ, અંબાજી સહિતના સ્થળોએ પરિવાર અને મિત્રો સાથે ફરવા નીકળી પડયા

નવી દિલ્હી, તા.૧૯: ગુજરાતમાં કોરોની બીજી લહેરનાં વળતાં પાણી દેખાય રહ્યાં છે. ત્યારે ઘરમાં રહીને કંટાળેલા ગુજરાતીઓ ફરવા નીકળી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળ પર ભીડ જ ભીડ જોવા મળી રહી છે. ગુજરાતીઓ સાપુતારા, ગીર સાસણ, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી,પાવાગઢ, અંબાજી સહિતના સ્થળોએ પરિવાર અને મિત્રો સાથે ફરવા નીકળી પડ્યા છે. જેના કારણે ગેસ્ટહાઉસથી માંડીને રિસોર્ટ હાઉસફુલ થયા છે. એકબાજુ વૈજ્ઞાાનિકો અને ડોકટરો કોરોનાની ત્રીજી સંભવિત લહેરની શંકા વ્યકત કરી રહ્યાં છે અને બીજી બાજુ ગુજરાતના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી પડી છે. લોકો ફરી તો રહ્યાં છે પરંતુ અનેક જગ્યાઓથી એવા પણ દ્રશ્યો આવી રહ્યાં છે કે, લોકો સોશિયલ ડિસ્ટન્સ તો જાળવતા નથી પરંતુ બહું જરૂરી માસ્ક પણ પહેરતા નથી.

ત્યારે સવાલ એ થાય કે, લોકો જાતે જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યાં છે. આજથી થોડા જ મહિનાઓ પહેલા લોકો ઓકિસજન, ઇન્જેકશનો અને હોસ્પિટલમાં જગ્યા મળે તે માટે લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેતા હતા. તે બધું જ થોડા જ સમયમાં લોકો ભૂલીને મેળાવડા કરવા લાગ્યા છે ત્યારે આ ચિંતાનો વિષય છે.

જોકે, ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને લોકો રસી લઇ રહ્યાં છે. આ સાથે  શનિ અને રવિવારનાં વિકએન્ડમાં લોકો મન મૂકીને બહાર ફરવા ગયા હતા. ગુજરાતીઓ કોરોનાને કારણે ગુજરાતમાં જ ફરવાનું પસંદ કર્યું હતું તો અનેક લોકો માઉન્ટઆબુ, કેરળ, હિમાચલ પ્રદેશ પણ જઇ આવ્યા હતા. આ સાથે પરિવાર અને મિત્રો સાથે રિસોર્ટમાં પણ જવાનું ચલણ વધ્યું છે. તે માટે લોકો પહેલેથી જ બુકિંગ કરાવી રહ્યાં છે.

જોકે બીજી બાજુ ટુરિસ્ટ વ્હિકલનાં ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે. ગુજરાત ટુરિસ્ટ વિહિકલ ઓપરેટર એસોસિએશન પ્રમુખ કિરણભાઈ મોદીએ જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી ધંધાને મોટી અસર પહોંચી છે. અનલોક થયું ત્યાર બાદ ૬૫ રૂ. ડીઝલ હતું તે આજે ૯૬થી ૯૭ રૂપિયા પહોંચી ગયો છે. તમામ વસ્તુમાં ૩૦થી ૩૫ ટકાનો વધારો થયો છે.

જેના કારણે ના છૂટકે ટુરિસ્ટ વિહિકલના ભાડામાં ૨૦ ટકાનો વધારો કરવો પડ્યો છે. પહેલા અમદાવાદથી દ્વારકાની ટુર જતી તો ખર્ચ ૪૦ હજાર થતો જે આજે ૪૫ હજારથી વધુ થાય છે.જો કે હવે લોકો ફરવાનું બંધ કરશે અથવાતો પોતાની કાર લઈને ફરવા જશે.કોરોનાની મહામારીના કારણે જમા પૂંજી હતી તે પણ ખર્ચાય ગઈ છે.ત્યારે સરકાર ડીઝલના ભાવમાં વેટ ઓછો કરે તો થોડી રાહત મળે.

(11:41 am IST)