Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભાજપ સરકારનું શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર : વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા ચિંતાજનક છે.

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કર્યા આકરા પ્રહાર

ગાંધીનગર: ગઇકાલે શનિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ અને રસ ઘટયો હોવાનો ઘટસ્ફોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ( જીપીસીસી )ના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ કર્યો છે. તેના માટે ભાજપ સરકારની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યને સમગ્ર વિશ્વમાં જેની નામનાં થાય એવા વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઇ આપ્યા છે વિજ્ઞાન-સંશોધન શ્રેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે ઈસરો, પીઆરએલ, આઇપીઆર રીસર્ચ ગુજરાતમાં છે તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો સંખ્યામાં સતત ચિંતાજનક ધટાડો થઈ રહ્યો છે ભાજપ સરકારની નબળી શિક્ષણ નીતી-વ્યાપારીકરણ- ખાનગીકરણ જવાબદાર છે.

ડૉ.મનીષ દોશીએ ખુલ્લેઆંમ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારનું શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાતનો શિક્ષણ શ્રેત્રે સતત પાછળ ધકેલાઇ રહ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા એ ચિંતાજનક છે.

ભાજપ સરકાર એક તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે કરોડો રૂપિયા ખર્ચ અને મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરે છે ત્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની કથળેલી સ્થિતિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 35 હજાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે જે ભાજપની શિક્ષણ વિરોધી નીતિ દર્શાવે છે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડીને અતિ ઉંચી ફીનાં ધોરણો પણ વિજ્ઞાન પ્રવાહનાં ઘટાડો થવા માટેનું એક કારણ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત ઔદ્યોગિક શ્રેત્રે સ્થાપના કાળથી અગ્રેસર છે તેમ છતાં વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓનો રસ-રુચિ ઓછી થઈ રહી છે. વિજ્ઞાન વિષયમાં આગામી અભ્યાસક્રમ, રોજગારીની તકો વગેરે વિશે વાલી-વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં પણ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. શિક્ષણ એ રાજ્ય માટે ખુબ મહત્વું પાસું છે ત્યારે ભાજપ સરકારના શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને દિશાહીન બન્યો છે.

શિક્ષણના વ્યાપારીકરણને કારણે વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોધાયો છે. વર્ષ 2017માં 1.41 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે વર્ષ 2021માં ઘટીને 1,07,264 થઇ છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં 34720 વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને પણ નોકરીની પુરતી તક આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

ક્રમ વર્ષ ધો. 12માં નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા

1. 2017 141984

2. 2018 116494

3. 2019 123860

4. 2020 116494

5. 2021 107264

(10:02 pm IST)