Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કડી સર્વ વિધાલય ખાતે મહિલાઓની રાજ્ય કક્ષાના કરાટે સ્પર્ધા: 1500 સ્પર્ધકો જોડાયા

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 11 મા ખેલમહાકુંભ કાર્યક્રમ અંતર્ગત કડી સર્વ વિધાલય ખાતે મહિલાઓની રાજ્યકક્ષા કરાટે સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 11 મા ખેલમહાકુંભ કાર્યક્રમ અંતર્ગત કડી સર્વ વિધાલય ખાતે મહિલાઓની રાજ્યકક્ષા કરાટે સ્પર્ધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ખેલમહાકુંભના આયોજનથી રાજ્યના દૂરના વિસ્તારોમાં વસતા યુવા રમતવીરોની પ્રતિભાને નવી દિશા મળી છે. આ યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરીને ગૌરવ વધાર્યું છે .

 આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, દરેક રમત આપણને જીવનના પાઠ શીખવે છે. રમતમાં હાર અને જીત બંને અનુભવમાંથી પસાર થવું પડે છે. રમતમાં મળેલી હાર બાળકમાં વિનમ્રતા જયારે જીત આત્મવિશ્વાસના ગુણનું સિંચન કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેના પરિણામે આજે 11 માં ખેલમહાકુંભમાં 56 લાખ વિધાર્થીઓ-નાગરિકો રજિસ્ટ્રેશન કરાવી ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. નવી ટેકનોલોજી સાથે શારીરીક સ્વાસ્થય કેળવાય અને પંરપરાગત રમતોના મિશ્રણ સાથે માનસિક વિકાસ થાય તે દિશામાં કામ થઇ રહ્યું છે. રાજ્યમાં શાંતિ અને સલામતીને કારણે મહિલાઓ સુરક્ષિત છે. મહિલાઓ આત્મસુરક્ષા માટે કરાટે જેવી રમતોમાં આગળ આવે એ જરૂરી છે. વિવિધ રમતો સાથે યોગ અને પ્રાણાયામ કરવા પણ રમતવીરોને અનુરોધ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો રાષ્ટ્રને નવી ઉંચાઇએ લઇ જવા આગળ આવી રહ્યા છે જેના પરિણામે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગૂરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં આર્યુવેદ પરંપરા થકી આજે નિરામયનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. કરાટે સ્પર્ધામાં પ્રારંભ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ખેલકૂદ શરીરને સંપુર્ણ બનાવે છે. શરીરના શારિરીક અને માનસિક વિકાસ માટે ખેલકૂદ જરૂરી છે.,દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ખેલમહાકૂભ રાજ્યનો નવતર પ્રયોગ છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં 2 લાખથી વધુ સ્પર્ધકો ખેલ મહાકુંભમાં જોડ઼ાયા છે અને આ ખેલ મહાકુંભના આયોજનથી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુજરાત નામના મેળવી રહ્યું છે.

આ પ્રસંગે રાજ્યની 30 જેટલી કરાટે સંસ્થાઓના સક્રિય એસોશિયેશન અને 4 લાખથી વધારે વિધાર્થીઓને કરાટેમાં જોડનાર કલ્પેશભાઇ મકવાણનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત 102 વર્ષ જુની અને 55 હજારથી વધુ વિધાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા કડી સર્વ વિધાલયમાં કરાટે સ્પર્ધાના આયોજન બદલ સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો.

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત કડી સર્વ વિધાલય ખાતે 19 થી 22 મે દરમિયાન રાજ્ય કક્ષાની બહેનો માટેની કરાટે સ્પર્ધા યોજાઇ રહી છે.જેમાં પ્રથમ દિવસે 14 વર્ષથી નીચેની 470 દિકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.બીજા દિવસે 17 વર્ષની નીચેની બહેનો અને ત્રીજા દિવસે મહિલાઓ મળી ત્રણ દિવસ દરમિયાન 1500 સ્પર્ધકો જોડાવાના છે.

(9:11 pm IST)