Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સુરતના પુણા વિસ્તારમાં હીરાના કારખાનેદાર પર ચપ્પુથી આડેધડ ઘા જીકી 47 હજારની લૂંટ કરનાર ત્રણ પૈકી એક રત્નકલાકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના પુણા ગીતાનગરમાં હીરાના કારખાનામાં કારખાનેદાર પર ચપ્પુના આડેધડ ઘા ઝીંકી રૂ.47 હજારની લૂંટ કરનાર ત્રણ પૈકી એક રત્નકલાકારને ક્રાઈમ બ્રાન્ચે રેમ્બો છરા સાથે ઝડપી લીધા બાદ વધુ એક લૂંટારુને કાપોદ્રા પોલીસે ઝડપી પુણા પોલીસને સોંપ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા ગીતાનગરમાં ગત ત્રીજીની સાંજે મૂળ અમરેલીના ખાંભાના ચલાળાના વતની અને સુરતમાં સારોલી ગામ સણીયા રોડ ન્યુ સારોલીનગરી ઘર નં.42 માં રહેતા 43 વર્ષીય હીરાના કારખાનેદાર વિજયભાઇ અરજણભાઇ મોર પોતાની ઓફિસમાં એકલા બેઠા હતા ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારુ ચપ્પુના આડેધડ ઘા ઝીંકી રોકડા રૂ.45 હજાર અને રૂ.2 હજારના ત્રણ હીરા લૂંટી બહાર ઉભેલી રીક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. પુણા પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે ત્રણ લૂંટારુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, સુરત ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્ક્વોડે આ બનાવમાં ગત 14 મી ના રોજ કાપોદ્રા ઉતરાણ બ્રિજ નીચે પાળા પાસેથી કાનજી ઉર્ફે કાનો ગણપતભાઈ પરમાર ( રહે.સોમનાથ સોસાયટી, કાપોદ્રા,સુરત. મૂળ રહે.ગુંદરણા, તા.મહુવા, જી.ભાવનગર ) ને રેમ્બો છરો, રોકડા રૂ.1300 અને રીક્ષા સાથે ઝડપી લીધો હતો. અગાઉ અમરોલી પોલીસના હાથે મારામારીના ગુનામાં ઝડપાયેલા અને રત્નકલાકાર તરીકે કામ કરતા કાનજીએ જણાવ્યું હતું કે તેની જેમ કામ કરતા રત્નકલાકાર મિત્રો વિશાલ વણજર અને કરણ વણજર લૂંટમાં સામેલ હતા અને લૂંટની યોજના વિશાલે ઘડી રેકી પણ કરી હતી. જોકે, તેમને નસીબે સાથ નહીં આપતા મોટી લૂંટ કરવામાં તેમને સફળતા મળી નહોતી.તેથી લૂંટ બાદ તેના ભાગે માત્ર રૂ.3 હજાર જ આવ્યા હતા. દરમિયાન, લૂંટની ઘટનામાં વોન્ટેડ અન્ય બે પૈકી મજૂરીકામ કરતા કરણ નકાભાઈ વણજર ( ઉ.વ.18, ૧૮, રહે.કાપોદ્રા ચાર રસ્તા પાસે બ્રીજની નીચે, કાપોદ્રા, સુરત. મુળ રહે.સમઢીયાળા, તા. ખાંભા, જી. અમરેલી ) ને ગતરોજ પી.પી.સવાણી હોસ્પિટલ પાસે આવેલા પાર્કિંગમાંથી ઝડપી પાડી પુણા પોલીસને સોંપ્યો હતો.

(6:10 pm IST)