Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અનેક વિસ્તારોમાં કોરોનાની ટેસ્ટિંગ કિટ હવે ખૂટી પડી

અમદાવાદમાં લોકોના હાલ બેહાલ : નવાઈની વાત એ છે કે કિટ્સ ખૂટી પડી છે ત્યાં નવો સ્ટોક ક્યારે આવશે તેની ત્યાં ફરજ બજાવતા સ્ટાફને ખબર નથી

અમદાવાદ,તા.૧૯ : એક તરફ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટે લાંબી-લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગ સેન્ટર્સ પર કિટ્સ ખૂટી પડતાં લોકોને ટેસ્ટિંગ માટે આમથી તેમ ભટકવું પડી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના ડેઈલી કેસનો આંકડો ૧૦ હજારને પાર કરી ચૂક્યો છે. અમદાવાદમાં પણ ગઈકાલે ૩૬૪૧ નવા કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે પણ ખાનગી લેબ્સમાં લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદના અખબારનગર, અંકુર ક્રોસ રોડ, નવરંગપુરા જેવા વિસ્તારોમાં આજે કિટ્સ ખૂટી પડતાં લોકોને લાઈનમાં ઉભા ના રહેવાની સૂચના આપતા પાટિયા લગાવી દેવાયા હતા.

ઘણા ટેસ્ટિંગ સેન્ટર્સમાં ગણતરીની કિટ્સ જ બાકી રહેતા તે પણ મિનિટોમાં જ ખતમ થઈ ગઈ હતી. જેના કારણે કેટલાક કિસ્સામાં તો ટેસ્ટિંગ માટે લાઈનમાં ઉભા રહેલા લોકોને પાછા જવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે જ્યાં કિટ્સ ખૂટી પડી છે ત્યાં નવો સ્ટોક ક્યારે આવશે તેની પણ ત્યાં ફરજ બજાવતા સ્ટાફને ખબર નથી. તેવામાં લોકોને લાઈનમાં ઉભા ના રહેવા માટે પણ કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ હોસ્પિટલોમાં જગ્યા નથી રહી.

ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ખાનગી દવાખાનાઓ તેમજ ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા ઠેકઠેકાણે બનાવાયેલા ટેસ્ટિંગ ડોમ્સની તો એવી હાલત છે કે ત્યાં કામકાજ ચાલુ હોય તે દરમિયાન ૪૦-૫૦ લોકો તો લાઈનમાં ઉભા જ હોય છે. કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ આવેલા ઉછાળાને કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે જો કોઈને સામાન્ય શરદી થઈ જાય કે થોડો તાવ આવી જાય તો પણ તે ડરનો માર્યો કોરોના ટેસ્ટ કરાવવા દોડી જાય છે. જેના કારણે ટેસ્ટિંગ સેન્ટર્સ પર લાંબી-લાંબી લાઈનો દેખાઈ રહી છે.

(9:17 pm IST)