Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મહેસાણાના ભેસાણના પરિવારે છેલ્લા 7 મહિનાથી જાપાનની હોસ્‍પિટલમાં દાખલ યુવકને પરત ભારત લાવવા મદદ માગીઃ અંદાજીત દોઢ કરોડ ખર્ચ થવાની સંભાવનાઃ પિતાએ વડાપ્રધાન પાસે મદદ માંગી

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા શાયોનાસિટીમાં રહેતા એક પિતા પોતાના પુત્રની સેવા કરવા માટે તાજેતરમાં જ જાપાન ગયા છે. પુત્રને ટીબીની સમસ્યા હોવાથી હાલ તે જાપાનની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 56 વર્ષના હરિભાઈ પટેલે ભારત સરકાર સમક્ષ પોતાના પુત્ર જયેશ પટેલને ભારત પરત લાવવા મદદ માટે એક પત્ર લખ્યો છે.

જયેશને ભારત લાવવા માટે 1.25 કરોડ રૂપિયાનો ખર્ચો થાય તેમ છે. જો કે તેનો પરિવાર આટલો ખર્ચો કરવા માટે અસમર્થ છે. આથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મદદની અપીલ કરી છે.

નિવૃત શિક્ષક હરિભાઈ પોતાના પુત્ર જયેશ સાથે જાપાનમાં છે અને પુત્રને ઘરે પરત લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જ્યારે જયેશની પત્ની તેની 7 વર્ષ અને 6 મહિનાની બે બાળકીઓ સાથે ઘાટલોડિયા સ્થિત તેમના ઘરે જ રહે છે. જયેશ પટેલ પાસે એમએ બીએડની ડિગ્રી છે અને તે છેલ્લા અઢી વર્ષથી જાપાનમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યો છે.

હરિભાઈના જણાવ્યા મુજબ, જયેશને 5 ઓક્ટોબરના જાપાનમાં શિબુકાવા મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બ્રેઈન સ્ટ્રોક બાદ 7 જાન્યુઆરીથી તેની તબીયત વધારે બગડતી ગઈ.

તેમણે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, શુબૂકાવા મેડિકલ સેન્ટરમાં હોસ્પિટલનો ખર્ચો તેમના જેવા મધ્યમ વર્ગીય પરિવાર માટે ખૂબ જ વધારે છે. તેઓ પોતાના પુત્રની તમામ જવાબદારી લેવા માટે તૈયાર છે, પરંતુ એક વખત તે ભારત આવી જાય. આ માટે તેમને ભારતીય ઓથોરિટીની મદદની માંગ કરી છે. મારો સમગ્ર પરિવાર તેના માટે ચિંતિત છે. તેની પત્નીએ 6 મહિના પહેલા જ તેની સૌથી નાની દીકરીને જન્મ આપ્યો છે.

તેમણે સાંસદ હસમુખ પટેલને એક પત્ર પણ લખ્યો હતો. જેનો જવાબ પણ મળ્યો હતો. હસમુખ પટેલ જાપાનમાં ભારતના હાઈકમિશનને પત્ર લખીને જયેશને એક ડોક્ટર સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. જેથી તે ભારત આવી શકે અને અહીં પરિવારની હાજરીમાં તેની સારવાર શક્ય બને.

(5:09 pm IST)