Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ગુજરાતમાં કોરોનાનો નવો સ્‍ટ્રેઇન ઘાતકઃ 10 હજાર કેસ થઇ જતા રિક્‍વરી રેટ 7 દિવસમાં 7 ટકા ઘટયો

અમદાવાદ: કોરોનાનો નવો સ્ટ્રેઈન ગુજરાત માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજ્યમાં હવે તો 10 હજાર કેસ નોંધાઈ રહ્યા છે તો મૃત્યુઆંક પહેલીવાર 100ની ઉપર ગયો છે. પરંતુ ચિંતા ઉપજાવે તેવી પરિસ્થિતિ એ છે કે, ગુજરાતમાં સાત દિવસમાં રિકવરી રેટમાં સાત ટકાનો ઘટાડો થયો છે. 10 એપ્રિલે રાજ્યમાં રિકવરી રેટ 91 ટકા હતો જે ઘટીને 84 ટકાની આસપાસ થયો છે.

10 હજાર નવા કેસ સામે રિકવર દર્દીઓની સંખ્યા 3000 ની આસપાસ

ગુજરાતમાં રિકવરી રેટ 100 માંથી 96 થી 97 સુધી પહોંચી ગયો હતો. તેના બાદથી તે સતત ઘટતો ગયો હતો. પરંતુ હવે સીધી છલાંગ મારી ગઈ છે. સંખ્યાબંધ દર્દીઓ પોઝિટિવ થઈ રહ્યા છે, તેની સાથે જે દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે તેનો આંકડો ઓછો છે. 10 હજાર નવા કેસ સામે રિકવર દર્દીઓની સંખ્યા 3000 ની આસપાસ છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો હજી પણ રિકવરી રેટ ઘટી શકે છે. તો આ આંકડો રાજ્ય સરકાર માટે ચિંતાજનક છે. સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજયમાં 24 કલાકમાં 110 લોકોનાં કોરોનાને લીધે મોત થયા છે. નવી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

ઓક્સિજનના અભાવના કારણે દર્દીઓની રિકવરી પણ ઘટી

નવી લહેરમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. સાથે જ ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પહેલા કોઈને કોરોના થાય તો 2 થી 3 દિવસ બાદ ફેફસા પર અસર જોવા મળતી. પરંતુ હવે શરૂઆતના સમયમાં જ દર્દીઓને ગંભીર અસર જોવા મળી રહે છે. હવે સંક્રમણમાં આવવાની સાથે જ દર્દીના ફેફસાં પર નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. સાથે જ મોટાભાગના દર્દીઓ શ્વાસ લેવાની તકલીફ વધી રહી છે. બીજી તરફ રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ તેમજ ઓક્સિજનના અભાવના કારણે દર્દીઓની રિકવરી પણ ઘટી રહી છે.

(5:01 pm IST)