Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લોકડાઉન બાદ કામ નહીં મળતા ભાઈનો આપઘાત

સુરતમાં બહેનનાં લગ્ન માટે ઘર ગીરવે મૂકી દેવું કર્યું : એક તરફ વ્યાજનું ચક્ર અને બીજી તરફ નોકરી નહીં મળતા યુવાન હતાશ થઈ જતાં હતાશામાં એસિડ ગટગટાવી લીધું

સુરત,તા.૧૯ : સુરત શહેરમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક યુવકે આપઘાત કર્યો છે. યુવકે પોતાની બહેનનાં લગ્ન માટે દેવું કર્યું હતું. જે બાદમાં લૉકડાઉન લાગી જતાં વેપાર-ધંધા પડી ભાંગ્યા હતા. લૉકડાઉન બાદ યુવક પોતાના વતન જતા રહ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય બનતા યુવક બે મહિના પહેલા પોતાના વતનમાંથી સુરત શહેરમાં આવ્યો હતો. જોકે, યુવકને નોકરી મળી ન હતી. આ કારણે તેણે આવેશમાં આવીને એસિડ ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. કોરોના મહામારીને લઈને વેપાર ઉદ્યોગ નહીં ચાલવા સાથે આર્થિક રીતે પડી ભાંગેલા લોકોએ આપઘાત કરી લીધાને અનેક બનાવો સામે આવ્યા છે.

 

          સુરતમાં આવે જ એક બનાવ નોંધાયો છે. જેમાં મૂળ ઓડિશાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા ખાતે રહેતો અને સંચાખાતમાં કામ કરીને વતનમાં પરિવારને આર્થિક મદદ કરતો રંજન નિલકંઠ ગોંડાએ વતનમાં રહેતી બહેન લગ્ન હોવાથી વતનનું મકાન ગીરવે મૂકીને રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા. રૂપિયા લીધા બાદ કોરોના મહામારી આવી જતા તે સુરત ખાતેથી પોતાના વતન જતો રહ્યો હતો. બે મહિના પહેલા તે વતનમાંથી રોજીરોટી માટે સુરત આવ્યો હતો. અહીં સતત પ્રયાસ કરવા છતાંય નોકરી નહીં મળતા તે હતાશ થઈ ગયો હતો. બીજી તરફ તેણે જે લોન લીધી હતી તેનું વ્યાજ સતત વધી રહ્યું હતું. આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણમાં ફરતો હતો. એક તરફ વ્યાજનું ચક્ર અને બીજી તરફ નોકરી નહીં મળતા આ યુવાન હતાશ થઈ ગયો હતો. જે બાદમાં આવેશમાં આવીને તેણે ગતરોજ પોતાના મકાનમાં એસિડ પી લીધું હતું. રાત્રે આ અંગેની જાણ તેના મિત્રને થતાં તેને સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

(9:02 pm IST)