Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બાળકીને કપડાં અપાવવાનું કહી પિતાનો મિત્ર ઉપાડી ગયો

અજાણ્યા લોકો સાથે ઘરોબો કેળવવા સામે ચેતવણી : પાંડેસરાના શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ બાળકીનો ફોટો નથી, અપહરણ કરનારની માહિતી નથી

સુરત, તા. ૧૯ : પાંડેસરામાં ગોવાલક રોડ પર રહેતા મૂળ ઝારખંડના શ્રમજીવી પરિવારની ૩ વર્ષની બાળનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી. પિતાનો મિત્ર ફેરવવા અને કપડાં અપાવવાના બહાને માસૂમ બાળાને ઉપાડી ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે પાંડેસરા-ગોવાલક રોડ પર ક્ષેત્રપાલનગર ખાતે વિજયભાઇની ચાલમાં રહેતા રાજા અબ્દુલસલામ અન્સારી (ઉં.વ. ૨૫, મૂળ ઝારખંડ) જરીકામ કરે છે. રાજા અન્સારીના પરિવારમાં પત્ની નિકિતા અને પુત્ર અક્ષય (૫) અને પુત્રી નીસીતા ઉર્ફે જીમલી (૩)નો સમાવેશ થાય છે. ગત તા. ૧૩મીએ બપોરે ૧૧ વાગ્યે રાજા રેલવે સ્ટેશન નજીક ગીતાંજલિ ચાર રસ્તા ખાતે કામાર્થે ગયો હતો ત્યારે અગાઉ સાથે કેટરિંગમાં મજૂરી કામ કરતા મિત્ર સંજય સાથે મુલાકાત થઇ હતી. તેઓએ સાથે ચા-નાસ્તો કર્યો હતો. ત્યારબાદ રાજા મિત્ર સંજયને પોતાના ઘરે લઇ ગયો હતો. ઘરે બપોરે સાથે જમ્યા બાદ સંજય તેઓને મોતી ટોકીઝ પાસે કપડાં અપાવવા લઇ ગયો હતો. કપડાં ખરીદી તેઓ સાંજે ઘરે પરત ફર્યા હતા. રાજાની પત્ની નીકીતાએ રસોઇ બનાવવાનું શરૂ કર્યુ અને બંને બાળકો ઘરમાં રમવા લાગ્યા હતા.

આ દરમિયાન સાંજના છ વાગ્યે સંજય રાજાની ૩ વર્ષની દીકરી જીમલી અને ૫ વર્ષના પુત્ર અક્ષયે ફરવા અને કપડાં અપાવવાનું કહી લઇ ગયો હતો. થોડા સમય પછી અક્ષય પરત ફર્યો હતો પણ સંજય અને જીમલી નહિ આવતા પરિવારજનો ચિંતાતુર થઇ ગયા હતા. સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવા સાથે સમગ્ર વિસ્તાર ખૂંદી વળવા છતાં તેઓનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સંજય જે જગ્યાએ કામ કરતો હતો તે વિસ્તારમાં પણ તલાશ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આખરે પરિવારજનોએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પાંડેસરા પોલીસે સંજય સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિતા રાજા પાસે બાળકીનો કોઇ ફોટો નથી તેમજ સંજયનું પુરું નામ અને એડ્રેસ પણ નથી. સંજયનો મોબાઇલ નંબર પણ ન હોય પોલીસની મુશ્કેલી વધી ગઇ છે. મામલાને ગંભીરતાથી લઇ પોલીસે અલગ-અલગ ચાર ટીમ બનાવી બાળકીની શોધખોળ આદરી છે. રેલવે સ્ટેશન તથા વરાછામાં પ્લેટફોર્મ નં. ૪ પર પણ પોલીસે તલાશ શરૂ કરી છે.

(9:33 pm IST)